ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો
- તહેવારોને કારણે ઓકટોબરમાં યુપીઆઈ વ્યવહારના વિક્રમી આંક જોવાયા હતા

મુંબઈ : તહેવારો નિમિત્તેની ખરીદીને પરિણામે ઓકટોબરમાં મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ ટોચ પર રહ્યા બાદ નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (યુપીઆઈ) મારફત થયેલા વ્યવહાર, મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ ઘટયા હતા. વોલ્યુમ ૧ ટકા જેટલું ઘટી ૨૦.૪૭ અબજ વ્યવહાર રહ્યું હતું જેનું એકંદર મૂલ્ય રૂપિયા ૨૬.૩૨ ટ્રિલિયન રહ્યું હતું.
ઓકટોબરમાં યુપીઆઈ મારફતના વ્યવહારની સંખ્યા ૨૦.૭૦ અબજ રહી હતી જેનું મૂલ્ય રૂપિયા ૨૭.૨૮ ટ્રિલિયન રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
જીએસટીમાં ઘટાડા સાથોસાથ તહેવારો નિમિત્તેની ઊંચી માગને કારણે ઓકટોબરમાં વહેવારોની સંખ્યા ઊંચી રહેવા પામી હતી.
જો કે વ્યવહારની દૈનિક સરેરાશ જે ઓકટોબરમાં ૬૬.૮૦ કરોડ રહી હતી તે નવેમ્બરમાં વધી ૬૮.૨૦ કરોડ રહી છે.
દેશમાં ઊંચી મૂલ્યના ડિજિટલ પેમેન્ટસમાં વધી રહેલા વિશ્વાસને પરિણામે યુપીઆઈના ઉપયોગમાં વધારો થઈ રહ્યાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

