બ્રોકરોના ઈન્ટ્રા-ડે બિઝનેસને ફટકો મારનાર અપફ્રન્ટ માર્જિનની યોજના અભેરાઈ પર
- સેબી દ્વારા હવે બ્રોકરોને તેમના ગ્રાહકોના ઈનિશિયલ માર્જિન જરૂરીયાતના પાર્ટ ફાઈનાન્સની મંજૂરીની શકયતા
મુંબઈ, તા. 12 ફેબુ્રઆરી 2020, બુધવાર
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા ટ્રેડરોએ સંપૂર્ણ ઈનિશિયલ માર્જિન ચૂકવવાનું ફરજિયાત કરતી યોજના માટેના દરખાસ્તને હાલ તુરત અભરાઈ પર મૂકવાનો નિર્ણય લીધો છે. ઈન્ટ્રા-ડે ટ્રેડ્સ માટે પણ આ માર્જિન અપફ્રન્ટ ચૂકવવાનું જરૂરી બનાવતી આ યોજનાથી ટ્રાન્ઝેકશન વોલ્યુમને અસર થવાનું અને શેર બજારના ઘણા ઈન્ટરમીડિયરીઝ માટે બિઝનેસ કરવો અસક્ષમ બનવાની ફરિયાદોને પગલે સેબી દ્વારા આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
આમ સેબીએ તેની અગાઉની દરખાસ્તને બદલે હવે બ્રોકરોને તેમના ગ્રાહકોના ઈનિશિયલ માર્જિન જરૂરીયાતના પાર્ટ ફાઈનાન્સની હવે મંજૂરી આપી શકે છે એવું જાણવા મળે છે. અત્યારે ઈન્ટ્રા-ડે ટ્રેડરોએ ટ્રેડ કરવા માટે અપફ્રન્ટ મનીનો અમુક ભાગ ચૂકવીને તેમની પોઝિશનો એ જ દિવસે સ્કેવર ઓફ કરી શકે છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં એક્સચેન્જોએ બ્રોકરોને તેમના સોદા પછીના દિવસે કેરી ફોરવર્ડ ન કરાયા હોય તો પણ ફરજીયાત ઈનિશિયલ માર્જિન અપફ્રન્ટ એકત્ર કરવાનું જણાવ્યું હતું. જો આ દરખાસ્તને અમલી બનાવાઈ હોત તો બ્રોકરો તેમની પ્રચલિત ઈન્ટ્રા-ડે ટ્રેડીંગ પ્રોડક્ટસ ઓફર કરી શકવાથી વંચિત રહે એમ હતું.
ઈન્ટ્રા-ડે ટ્રેડીંગનો મોટાભાગના શેર દલાલાનો દૈનિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં હિસ્સો ૫૦ ટકા જેટલો હોય છે. ઘણા સોદા ગ્રાહકો કોઈપણ નાણા અપફ્રન્ટ ન લાવે તો પણ થાય છે. સેબીની દરખાસ્તથી નારાજ બ્રોકરો સેબી અધિકારીઓને અને બે એક્સચેન્જોના અધિકારીઓને મળીને આ મામલે રજૂઆત કરી માર્જિન મનીના નિયમોમાં સુધારામાં રાહત આપવા માગ કરી હતી. જે મામલે સેબીએ ફેરવિચારણા કરવા સંમતિ બતાવી હતી. જે મામલામાં હવે સેબી અને એક્સચેન્જો દ્વારા આ દરખાસ્તનો અમલ હાલ તુરત નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.