For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

F&Oમાં દરેક એક કરોડના ટર્નઓવર પર STTમાં 25 ટકા સુધીનો વધારો

- રીટેલ ટ્રેડરોની ખુવારી અટકાવવાનો અને મોટા ટ્રેડરો પરનો બોજ વધારી આવક વધારવાનો સરકારનો ઈરાદો ? ૮૯ ટકા ટ્રેડરોએ સરેરાશ રૂ.૧.૧ લાખની નુકશાની કરી

- નાણા મંત્રાલયનો છબરડો : ઓપ્શન્સમાં પહેલા જ ૦.૦૫ ટકા બેઝ રેટથી એસટીટી લાગુ હોવાની સ્પષ્ટતાએ ભુલને ટાઈપોગ્રાફની હોવાનું ઠરાવી મોડે મોડે સુધારી

Updated: Mar 25th, 2023


દરેક ૧૦ વ્યક્તિગત ડેરીવેટીવ ટ્રેડરોમાંથી ૯ ટ્રેડરો અંતે મૂડી ગુમાવી રહ્યા છે : સેબી

મુંબઈ/નવી દિલ્હી : શેર બજારોમાં એક પ્રકારે ખેલાતાં જુગાર ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ( એફ એન્ડ ઓ) ટ્રેડીંગમાં મોટાભાગના રીટેલ ટ્રેડરો સરવાળે અંતે મોટી નુકશાની કરીને ખુવાર થઈ રહ્યા હોઈ સરકારે આ ખુવારીને રોકવા એફ એન્ડ ઓ ટ્રેડીંગને નિરૂત્સાહી કરવાનો અને બીજી તરફ મોટા ટ્રેડરો પાસેથી વધુને વધુ ટેક્ષ વસુલવાના માર્ગ તરીકે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં નવો વધારો ઝીંક્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને ફાઈનાન્સ બિલ ૨૦૨૩માં સુધારા કરીને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં ટ્રેડીંગ કરનારા ટ્રેડરો પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી) રૂપી વેરા બોજમાં વધારો કર્યો છે. આ અમેન્ડમેન્ટ મુજબ ઓપ્શન્સમાં વેચાણ પર દરેક રૂપિયા એક કરોડના ટર્નઓવર પર એસટીટી રૂ.૫૦૦૦  થી ૨૪ ટકા વધારીને રૂ.૬૨૦૦ કરાયો છે. જ્યારે ફયુચર્સ કોન્ટ્રેક્ટસના વેચાણ પર પણ રૂપિયા એક કરોડના ટર્નઓવર દીઠ એસટીટી જે અત્યારે રૂ.૧૦૦૦ વસુલવામાં આવે છે, તે ૨૫ ટકા  વધારીને રૂ.૧૨૫૦ કરાયો છે.

આ સુધારા મુજબ ફયુચર્સ સેગ્મેન્ટમાં ટ્રેડરોએ રૂપિયા એક કરોડના ટર્નઓવર દીઠ અત્યારના રૂ.એક હજારને બદલે રૂ.૧૨૫૦ એસટીટી ચૂકવવાના રહેશે. આ સુધારા નવા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી અમલી બનશે. ટકાવારીની રીતે ફયુચર્સના વેચાણ પર એસટીટી ૦.૦૧ ટકાથી વધારીને ૦.૦૧૨૫ અને ઓપ્શન્સમાં ૦.૦૫ ટકાથી વધારીને ૦.૦૬૨ ટકા કરાયો છે.

જો કે આ સુધારા બાદ બ્રોકિંગ વર્તુળોએ ઓપ્શન્સમાં બેઝ રેટ પહેલાં જ ૦.૦૫ ટકા હોવાનું ધ્યાન દોરતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને  મોડે મોડે આ બાબતે સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું કે, ટાઈપોગ્રાફિ ભૂલના કારણે બેઝ રેટ ૦.૦૧૭ ટકા લખાઈ ગયો હોવાનું અને આ રેટ ૦.૦૧૭ ટકાથી વધારી ૦.૦૨૧ ટકા ભૂલથી લખાયો હોવાની ભૂલ સુધારવામાં આવી છે. જેથી હવે ઓપ્શન્સમાં ૦.૦૫ ટકાથી વધીને ૦.૦૬૨ ટકા કરાયો હોવાનું ધ્યાનમાં લેવું.

ફયુચર્સમાં એસટીટીમાં વધારો કરાયા બાદ તેની અસર વિશે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનું કહેવું છે કે, જો ઈન્ટ્રા-ડે રીટેલ ટ્રેડર નિફટી ફયુચર્સના ૧૦ લોટ્સની ખરીદી અને  વેચાણ કરે તો તેમણે નિફટીના દરેક લોટ દીઠ ૧.૭ પોઈન્ટ એટલે કે રૂ.૮૫૫ એસટીટી ચૂકવવાનો રહેશે. જો ટ્રેડર દિવસમાં ૧૦ વખત ટ્રેડ કરે તો એ નિફટીની આ વધઘટ પર રોજ એસટીટી માટે જ ૧૭ પોઈન્ટ કમાવવા પડશે. આ તો માત્ર એસટીટીના છે. જ્યારે એક્સચેન્જના ચાર્જિસ, સ્ટેમ્પ ડયુટી, જીએસટી, બ્રોકરેજ અને સેબી ચાર્જિસ અલગ હશે.

જો તમામ ચાર્જિસને ગણવામાં આવે તો દૈનિક નિફટીની ૧૦ ટ્રેડ માટેની વોલેટીલિટીમાં ૩૦ પોઈન્ટ મેળવવા પડશે. કામથે આ વિશે વધુ જણાવ્યું હતું કે, જો આ સોદાઓમાં આ તમામ ચાર્જિસ બાદ કોઈને નફો પણ મળે તો તેણે મહત્તમ આવક વેરા દરે ટેક્ષ ચૂકવવાના રહેશે. જેથી એક પ્રકારે ટ્રેડરો માટે નફો મેળવવાનું મુશ્કેલ બની જશે.

ઉલ્લેખનીય છે કે, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ એક પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ઈક્વિટી, ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ જેવવી સિક્યુરિટીઝના ખરીદ અને  વેચાણ પર લાદવામાં આવેલો પરોક્ષ ટેક્ષ છે. વર્ષ ૨૦૦૪ના બજેટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ એક્ટ દાખલ કરીને માત્ર શેર બજારના માધ્યમથી થતાં ટ્રેડીંગ પર આ એસટીટી લાદવામાં આવ્યો હતો. ઈન્ટ્રા-ડે શેરોના સોદામાં વેચાણ પર ૦.૦૨૫ ટકા વસુલવામાં આવે છે, જ્યારે જ ડીલિવરી સોદા માટે બન્ને ખરીદ અને વેચાણ પર ૦.૧ ટકા એસટીટી વસુલવામાં આવે છે. 

ફાઈનાન્સ બિલમાં આ સૂચિત ફેરફારો માત્ર ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટ માટે જ કરાયા છે. અત્રે નોંધનીય છે કે, રીટેલ ટ્રેડરોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ) વધુ પ્રચલિત બનતું ગયું છે. સેબીના તાજેતરના અભ્યાસમાં દરેક ૧૦ વ્યક્તિગત ડેરીવેટીવ ટ્રેડરોમાંથી ૯ ટ્રેડરો અંતે તેમની મૂડી ગુમાવતાં હોવાનું જ જણાયું છે. આ દરમિયાન એફ એન્ડ ઓ ટ્રેડરોની સંખ્યા પણ છેલ્લા ત્રણ વર્ષમાં ૫૦૦ ટકાથી વધુ વધી છે. વ્યક્તિગત ડેરીવેટીવ ટ્રેડરોમાંથી ૮૯ ટકા સરેરાશ રૂ.૧.૧ લાખ જેટલી નુકશાની સાથે મૂડી ગુમાવી હોવાનું ટોચના ૧૦ બ્રોકરોના સર્વેમાં જણાયું છે. 

એસટીટીમાં વધારાની સાથે એફ એન્ડ ઓમાં ઓપ્શન્સ ટ્રેડરોને ગઈકાલે જ વધુ એક ફટકો મારી નેશનલ સ્ટોક એક્સચેન્જે(એનએસઈ) ૩૦,માર્ચથી ઓપ્શન્સ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ કરનારાઓ માટે ડુ નોટ એક્સરસાઈઝ(ડીએનઈ) સવલત પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.ડીએનઈ સવલત ઓપ્શન ટ્રેડરોને તેમની પોઝિશન ઓટો સ્કવેર ઓફ કરવાની પરવાનગી આપે છે. એટલે કે જો ટ્રેડર ડીલિવરી ન લે તો એ એ પોઝિશન ઓટોમોટીક સ્કવેર ઓફ થઈ જાય છે અને ટ્રેડરે બાકી નીકળતી રકમ જ ચૂકવવાની રહે છે. 

ઓકટોબર સુધીમાં રૂ.૧૮,૭૨૯ કરોડ STTની આવક

નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે સરકારે એસટીટી આવકનો મૂળ અંદાજ રૂ.૨૦,૦૦૦ કરોડ મૂક્યો હતો, એ અંદાજ સુધારીને રૂ.૨૫,૦૦૦ કરોડ કર્યો હતો. જે સામે સરકારને ઓકટોબર ૨૦૨૨ સુધીમાં રૂ.૧૮,૭૨૯ કરોડની એસટીટીની આવક થઈ ગઈ છે. ભારતીય શેર બજારોમાં ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં દૈનિક ટર્નઓવર ચાલુ નાણા વર્ષ ૨૦૨૩માં રૂ,૧૫૦.૬૭ લાખ કરોડ રહ્યું છે, જે ગત વર્ષે સરેરાશ દૈનિક રૂ.૬૮.૩૫ લાખ કરોડ રહ્યું હતું.આમ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ ટર્નઓવરમાં દૈનિક સરેરાશમાં ૧૨૦ ટકા જેટલો વધારો થયો છે. આ જંગી ટર્નઓવરને ધ્યાનમાં લેતાં સરકાર દ્વારા એસટીટીમાં કરાયેલા વધારાથી સરકારની આવકમાં મોટી વૃદ્વિ અપેક્ષિત છે.

STTમાં કેટલો વધારો?

નવા અમેન્ડમેન્ટ મુજબ ઓપ્શન્સમાં વેચાણ પર દરેક રૂપિયા એક કરોડના ટર્નઓવર પર એસટીટી રૂ.૫૦૦૦  થી ૨૪ ટકા વધારીને રૂ.૬૨૦૦ કરાયો છે. જ્યારે ફયુચર્સ કોન્ટ્રેક્ટસના વેચાણ પર પણ રૂપિયા એક કરોડના ટર્નઓવર દીઠ એસટીટી જે અત્યારે રૂ.૧૦૦૦ વસુલવામાં આવે છે, તે ૨૫ ટકા  વધારીને રૂ.૧૨૫૦ કરાયો છે.


Gujarat