બજારને સ્પર્શતી દરખાસ્તો નહીં આવે તો 5થી 10 ટકાનું ગાબડું પડશે
- સરકાર માટે મોટા પાયે રાહતો જાહેર કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન બાબત : CTT અંગે ઉત્સુક્તા
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
આખરે બજાર જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે, બજેટની આવતીકાલે તા. ૧ ફેબુ્રઆરીના રોજ રજૂઆત થશે. કેન્દ્રમાં પુન: સત્તા સંભાળ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. આવતીકાલે રજૂ થનારા આ બજેટમાં શેરબજારને તેમજ અર્થતંત્રને સ્પર્શતી સાનુકૂળ દરખાસ્તો નહી હોય તો બજાર હાલના મથાળેથી ૫થી ૧૦ ટકા તૂટશે તેમ બજારના નિષ્ણાતો અને એનાલીસ્ટોનું માનવું છે.
અમેરિકા- ચીન વચ્ચેનું ટ્રેડ વોર આટોપાતા તેમજ વિદેશી રોકાણકારોની નવી લેવાલીના પગલે ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સે ૪૨૦૦૦ અને નિફ્ટીએ ૧૨૪૦૦ની ઐતિહાસિક ઉંચી સપાટીઓ હાંસલ કરી છે. પરંતુ આ ઉંચા મથાળા આગામી સમયમાં જળવાશે કે કેમ તેનો અધાર અન્ય પરિબળોની જેમ બજેટ દરખાસ્તો ઉપર પણ રહેલો છે.
નિષ્ણાતોના મત મુજબ ગત વર્ષે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરેલા ઘટાડાથી કંપનીઓને જ રાહત થઈ છે. તેનાથી બજાર સાથે સંકળાયેલા વર્ગને કોઈ જ રાહત થઈ નથી. આવતીકાલે રજૂ થનાર બજેટમાં બજારને સ્પર્શતી જાહેરાતો થશે તેવી બજારની ગણતરી છે અને તે બજેટ તરફ મીટ માંડીને બેઠું છે.
આવતીકાલે રજૂ થનાર બજેટમાં પર્સનલ ટેક્સમાં ઘટાડો, લોંગ ટર્મ ઇન્સ્યોરન્સ પરનો ટેક્સ દૂર થવો, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ઘટાડો, એસટીટીમાં રાહત સહિત બજારને સ્પર્શતી અન્ય રાહતો જાહેર થવાની બજારને આશા છે.
જો કે, સરકાર માટે મોટા પાયે રાહતો જાહેર કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન બાબત છે. સરકારે અગાઉ કરેલ જાહેરાતોને પગલે સરકારી તિજોરી પર અસહ્ય બોજો આવેલો જ છે. તેથી હવે વધુ મોટી પ્રોત્સાહક જાહેરાતો થવાની સંભાવના ઓછી છે.
બજાર સહિતના નિષ્ણાતો નાણાંકીય ખાધના આંકડા પર નજર રાખીને બેઠા છે. મોટા ભાગના એનાલીસ્ટો અને નિષ્ણાતોનું માનવું છે કેજો નાણાંકીયખાધ વધીને ૩.૮ ટકાની સપાટી કૂદાવી દેશે તો બોન્ડ માર્કેટ પર પ્રતિકૂળ અસર થશે. આમ, આવતીકાલે રજૂ થનાર બજેટમાં બજારને સ્પર્શતી મહત્ત્વની જાહેરાતો નહીં થાય તો શેરબજારમાં ૫થી ૧૦ ટકાની પીછેહઠ થશે.