IBC હેઠળ રૂ. 3.5 લાખ કરોડની વસૂલાત કરાઈ

- IBCના ૮ વર્ષમાં કુલ ૧૦૦૦ રીઝોલ્યુશન મંજૂર, છેલ્લા બે વર્ષમાં જ ૪૫ ટકાને મંજૂરી અને રૂ. ૧ લાખ કરોડની રિકવરી થઈ

- એસેટની ફેર વેલ્યુના ૮૪%ની રિકવરીનો દાવો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
IBC હેઠળ રૂ. 3.5 લાખ કરોડની વસૂલાત કરાઈ 1 - image


અમદાવાદ : છેલ્લાં આઠ વર્ષમાં નાદારીની પ્રક્રિયા હેઠળ સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન દ્વારા ધિરાણકર્તાઓએ રૂ. ૩.૫ લાખ કરોડની વસૂલાત કરી છે. આ સમયગાળા દરમિયાન એનસીએલટીએ ૧૦૦૦ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે તેમ આઈબીબીઆઈના ચેરપર્સન રવિ મિતલે નિવેદનમાં જણાવ્યું છે.

દેવાના ડુંગર હેઠળ દબાઈને અંતે ડિફોલ્ટ કંપનીઓ પાસેથી રિકવરી કરવા અને કંપનીની અસ્કયામતોની સુરક્ષાના હેતુસર ભારતમાં ૮ વર્ષ અગાઉ લાગુ કરવામાં આવેલા ઈન્સોલવન્સી બેંકરપ્સી કોડને નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો અધિકારીઓ કરી રહ્યાં છે.

ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી) સ્ટ્રેસ્ડ એસેટ્સના માર્કેટ-લિંક્ડ અને ટાઈમ-બાઉન્ડ રિઝોલ્યુશન પ્રદાન કરે છે. 

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા આઈબીસી ઈકોસિસ્ટમની મુખ્ય સંસ્થાઓ છે.

છેલ્લા બે વર્ષમાં એનસીએલટીએ ૪૫૦ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. છેલ્લાં આઠ વર્ષમાં મંજૂર કરાયેલી આવી ૧૦૦૦ યોજનાઓમાં છેલ્લા બે વર્ષનો જ હિસ્સો ૪૫ ટકા રહ્યો છે. આ સિવાય વસૂલ થયેલ કુલ રૂ. ૩.૫ લાખ કરોડમાંથી ૧ લાખ કરોડ તો માત્ર છેલ્લા બે વર્ષમાં જ આવ્યા છે.

મહત્વની વાત એ છે કે મિત્તલના કહ્યાં અનુસાર આઈબીસી હેઠળ, મિલકતોની ફેર વેલ્યુ એટલેકે વ્યાજબી મૂલ્યના લગભગ ૮૪ ટકા રકમની રિકવરી થઈ છે પરંતુ મિત્તલ લેણદારોની કુલ બાકી રકમના કેટલા ટકા આઈબીસી હેઠળ રિકવર થઈ છે તેનો આંકડો ન જણાવી શક્યા. મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરને કહ્યું હતું કે આર્થિક વદ્ધિ માટે નાદારી વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ છે.


Google NewsGoogle News