અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર
- પાકિસ્તાન દ્વારા વિશ્વ બજારમાં સસ્તા ભાવે ઓફર
મુંબઈ : ભારત સરકારની અસ્પષ્ટ નીતિને કારણે વિશ્વ બજારમાં દેશની ડુંગળીની માગ ઘટી રહી હોવાનું ટ્રેડરો દ્વારા જણાવાઈ રહ્યું છે. વિશ્વ બજારમાં ભારતની સરખામણીએ પાકિસ્તાનની ડુંગળી વધુ ખપી રહી હોવાનું સ્થાનિક ન નિકાસકારે જણાવ્યું હતું.
પાકિસ્તાન પ્રતિ ટન ૧૭૦ ડોલર કોસ્ટ એન્ડ ફ્રેઈટ (સીએનએફ) ભાવે શ્રીલંકાને કાંદા ઓફર કરી રહ્યું છે જ્યારે ભારતના કાંદાના ભાવ પ્રતિ ટન ૩૩૦ ડોલર કવોટ થઈ રહ્યા છે, એમ હોર્ટિકલ્ચર પ્રોડયૂસ એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતના કાંદાની વિશ્વ બજારમાં માગ નથી. પાકિસ્તાનની ડુંગળીની આવક સતત ચાલુ રહી છે. ડુંગળીની કવોલિટી ઉપરાંત ભારતની સરખામણીએ પાકિસ્તાનના ચલણના ભાવમાં ડોલર સામે વધઘટનો પાકિસ્તાનના નિકાસકારોને લાભ થઈ રહ્યો છે. ભારત ઉપરાંત ચીનના કાંદા પણ વિશ્વ બજારમાં ઊંચા ભાવે કવોટ થઈ રહ્યા છે જેનો પાકિસ્તાનને લાભ થઈ રહ્યો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ડુંગળીની અનિશ્ચિત નિકાસ નીતિને કારણે પણ ભારતના વૈશ્વિક ગ્રાહકો છૂટી રહ્યા છે.