Get The App

જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર

- કોઈ એક નાણાં વર્ષમાં દેશમાં પહેલી જ વખત આ સિદ્ધિ હાંસલ કરાઈ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર 1 - image

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ભારતમાં ઈન્ટરનલ કમ્બ્યુઝન એન્જિન (આઈસીઈ) તથા વીજ સંચાલિત ટુ વ્હીલર્સનું વેચાણ બે કરોડને પાર કરી ગયું છે. કોઈ એક નાણાં વર્ષમાં ટુ વ્હીલર્સનું આ સૌથી મોટું રજિસ્ટ્રેશન છે એમ વાહનના ડેટા જણાવે છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરવા લેવાયેલા નિર્ણયને કારણે વેચાણ આંક બે કરોડને પાર જઈ શકયો હોવાનું ઓટો ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. 

આ અગાઉ નાણાં વર્ષ ૨૦૧૯માં એટલે કે કોરોના પહેલાના વર્ષમાં ૧.૮૪ કરોડ ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું હતું.

વર્તમાન નાણાં વર્ષના ૨૨મી માર્ચ સુધીમાં બે કરોડથી સહેજ વધુ ટુ વ્હીલર્સ  રજિસ્ટર્ડ થયા હતા. ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં ટુ વ્હીલર્સનો વેચાણ આંક ૧.૮૩ કરોડ રહ્યો હતો. 

૨૦૩૦ સુધીમાં દેશમાં ટુ વ્હીલર્સના વેચાણમાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો હિસ્સો ૮૦ ટકા પહોંચવાની નીતિ આયોગ દ્વારા  ૨૦૧૯માં મુકાયેલી ધારણાં સફળ થવા સામે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જો કે ધારણાં બાદમાં   ૨૦૨૨માં ઘટાડી ૩૫-૪૦ ટકા રખાઈ હતી.  

વાહનના આંકડા પ્રમાણે વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને હવે માત્ર એક સપ્તાહ બાકી છે ત્યારે ટુ વ્હીલર્સના એકંદર વેચાણમાં ઈ-ટુ વ્હીલર્સનો હિસ્સો ૬.૨૫ ટકા રહ્યો છે. 

ગત નાણાં વર્ષમાં ટુ વ્હીલર્સના ૧.૮૩ કરોડના વેચાણમાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો આંક ૧૧ લાખ રહ્યો હતો. જે દસ ટકાથી પણ ઓછો છે. 

૨૦૩૦ના ટાર્ગેટને સિદ્ધ કરવો હશે તો દેશમાં ઈ-ટુ વ્હીલર્સનો વાર્ષિક વેચાણ આંક એકથી સવા કરોડ લઈ જવાનો રહેશે એમ ઉદ્યોગના સુત્રો માની રહ્યા છે.