ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારને જ વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે
- અમેરિકાએ તેની મોટાભાગની આયાત પર સરેરાશ ૨૦ ટકા ટેરિફ લાદતા ફુગાવો વધશે
અમદાવાદ : જેવા સાથે તેવાની નીતિ અપનાવવા તલપાપડ થતા ટ્રમ્પે ભારત પર ૮ ઓગસ્ટથી ૨૫ ટકા ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે પરંતુ આ ટેરિફ હંટર અમેરિકનોને દંડશે તેવી આશંકા સેવાઈ રહી છે.
અમેરિકામાં ફરી ફુગાવો વધવાના સંકેતો છે અને તેનું મુખ્ય કારણ તાજેતરમાં લાદવામાં આવેલ ભારે આયાત કર એટલે કે ટેરિફ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, અમેરિકાએ તેની મોટાભાગની આયાત પર સરેરાશ ૨૦ ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકન બજારમાં વસ્તુઓ મોંઘી થશે જ પરંતુ તે ભારત જેવા દેશોના વેપાર અને નિકાસને પણ અસર કરી શકે છે.
એસબીઆઈના અહેવાલ મુજબ અમેરિકા દર વર્ષે અન્ય દેશોમાંથી લગભગ ૩.૨૬ ટ્રિલિયન ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૨૭૨ લાખ કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ આયાત કરે છે. આ સમગ્ર આયાત પર સરેરાશ ૨૦ ટકા ટેક્સ લાદવામાં આવશે તો ફટકો અમેરિકનોને જ પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્સને કારણે યુએસ રિટેલ ફુગાવો તાત્કાલિક ૨.૪ ટકા વધી શકે છે અને ૧.૨ ટકાનો વધારો લાંબાગાળે પણ રહી શકે છે.
એસબીઆઈનો અંદાજ છે કે આ ટેક્સને કારણે દરેક અમેરિકન પરિવારને વાર્ષિક સરેરાશ ૨૪૦૦ ડોલર એટલેકે લગભગ ૨ લાખ રૂપિયાનું નુકસાન થશે. ગરીબ પરિવારો આનાથી સૌથી વધુ બોજ ભોગવશે કારણકે તેમની આવકનો મોટો ભાગ ફુગાવામાં જશે. તે જ સમયે, શ્રીમંત પરિવારોને પણ અંદાજે ૫૦૦૦ ડોલરનું નુકસાન થશે.