Get The App

શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ, એક એલાનથી સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ગગડ્યો, રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ, એક એલાનથી સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ગગડ્યો, રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન 1 - image


Stock Market Today: ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ફાર્મા સહિત અનેક સેક્ટર પર ટેરિફની જાહેરાત કરી છે. ફાર્મા પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે આજે શેરબજાર કડડભૂસ થયા છે. શેરબજારમાં વેચવાલીનું પ્રેશર વધતાં સેન્સેક્સ અને નિફ્ટી નબળા પડ્યા છે. સેન્સેક્સ બપોરના ટ્રેડિંગ સેશનમાં 827.27 પોઇન્ટ તૂટ્યો હતો. જે 2.45 વાગ્યે 727.94 પોઇન્ટના કડાકે 80432 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 240.80 પોઇન્ટના કડાકે 24648.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 6.35 લાખ કરોડનું ગાબડું નોંધાયું છે.

સ્મોલકેપ-બૅન્કિંગ શેર્સમાં કડાકો

શેરબજારમાં ટ્રમ્પના એલાનથી વેચવાલીનું જોર વધ્યું છે. સ્મોલકેપ અને બૅન્કિંગ શેર્સ પણ 20 ટકા સુધી તૂટ્યા છે. સ્મોલકેપ ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ જ્યારે મીડકેપ્સ 800થી વધુ પોઇન્ટ તૂટ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, યસ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક સહિતના ખાનગી બૅન્કોના શેર 4 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જેના પગલે બૅન્કેક્સ 600 પોઇન્ટના ઘટાડે કારોબાર કરી રહ્યો હતો.

હેલ્થકેર-આઇટી શેર્સ તૂટ્યા

ટ્રમ્પની ટેરિફ જાહેરાતના પગલે આજે હેલ્થકેર અને આઇટી શેર્સ તૂટ્યા છે. હેલ્થકેર સેક્ટરના 119 શેર પૈકી 110માં 7 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. માત્ર 11 શેર જ 1 ટકા સુધી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જેના પગલે બીએસઈ હેલ્થકેર ઇન્ડેક્સ 1.61 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યા હતા. ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઇન્ડેક્સ પણ 1.22 ટકા તૂટ્યો હતો.

143 શેર વર્ષના તળિયે

બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 4222 પૈકી 920 શેર સુધારા તરફી અને 3156 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 143 શેર આજે વર્ષના તળિયે નોંધાયા છે. જ્યારે 212 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જે એકંદરે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ દર્શાવે છે.અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ ટ્રમ્પના ટેરિફ વાધારના કારણે શેરબજાર સતત તૂટી રહ્યા છે. ગઈકાલે પણ નિફ્ટી 166 પોઇન્ટ ગગડી 24891 પર બંધ રહેતાં રોકાણકારોને 3.21 લાખ કરોડનું નુકસાન થયું હતું. 

શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ, એક એલાનથી સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ગગડ્યો, રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન 2 - image

Tags :