શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ
Stock Market : શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 થી વધુ પોઈન્ટના ઘટાડા પછી ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં 750 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને એફએમસીજી 300 થી વધુ પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.
બીએસઈની ટોચની કંપનીઓના શેર તૂટ્યાં
9.20 વાગ્યા સુધીમાં, બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈની ટોચની 30 કંપનીઓમાંથી, 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં ટાટા મોટર્સ, આરઆઈએલ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે જ સમયે, 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.
સ્મોલ અને મિડકેપ્સમાં પણ મોટો ઘટાડો
શરૂઆતના વેપાર દરમિયાન BSE સ્મોલકેપ 400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ મિડકેપમાં ૩૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. ફેઝ થ્રી લિમિટેડના શેર સ્મોલકેપમાં 10% ઘટ્યા, જ્યારે મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5%) નો રહ્યો.
61 શેરમાં લોઅર સર્કિટ
બીએસઈના 3085 ટ્રેડેડ શેરમાંથી આજે 887 શેરમાં વધારો જોવા મળ્યો, જ્યારે 2033 શેરમાં ઘટાડો જોવા મળ્યો. 165 શેરમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું. 61 શેરમાં અપર સર્કિટ અને 61 શેરમાં લૉર સર્કિટ હતી. આ ઉપરાંત 51 શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે ગયા. જ્યારે 36 શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા.
રોકાણકારોને મોટું નુકસાન
બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેનો અર્થ એ થયો કે રોકાણકારોનું મૂલ્યાંકન ઘટ્યું છે. એક દિવસ પહેલા, બીએસઈ માર્કેટ કેપ 452.29 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે શરૂઆતના વેપારમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા ઘટીને 449.56 લાખ કરોડ રૂપિયા થયું.