રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા

Image: GEMINI |
USA President Donald Trump Crypto Business: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બિઝનેસ અને સંપત્તિના કારણે સતત વિવાદમાં રહે છે. તેમાં હાલ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેઓ રિસોર્ટ કે રિયલ એસ્ટેટ મારફત નહીં પણ ક્રિપ્ટો કરન્સી મારફત અઢળક કમાણી કરી રહ્યા છે. આ ખુલાસો એક મીડિયા રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પ પોતાના પારિવારિક કામથી દુબઈમાં હતાં. આ વર્ષે મેમાં તે એક ક્રિપ્ટોકરન્સી સંમેલનમાં સામેલ થયા હતા. આ બેઠકમાં ચીનના એક બિઝનેસમેન પણ ઉપસ્થિત હતા. તે ક્રિપ્ટો કરન્સીના કારોબાર સાથે જોડાયેલા હતા. બાદમાં ખબર પડી કે, આ ચીની બિઝનેસમેન ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો બિઝનેસમાં મુખ્ય પાર્ટનર છે. જેના પરથી સંકેત મળ્યા છે કે, ટ્રમ્પ ફેમિલી ક્રિપ્ટો કરન્સી બિઝનેસમાં સારો એવો ગ્રોથ હાંસલ કરી મબલક કમાણી કરી રહી છે. ટ્રમ્પે બીજી વખત પ્રમુખ પદે શપથ લેતાં પહેલાં જ પોતાના અને પોતાની પત્નીના નામે ક્રિપ્ટો કોઈન રજૂ કર્યા હતા.
આ રીતે કરી રહ્યા છે કમાણી
દુબઈમાં જે બેઠકનો ઉલ્લેખ થયો છે, જેની સાથે જોડાયેલી વ્યક્તિ અનુસાર, ટ્રમ્પ પરિવારનો ક્રિપ્ટો બિઝનેસ વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સિયલ નામના ઑર્ગેનાઇઝેશન તરીકે સંચાલિત છે. આ ઑર્ગેનાઇઝેશને ઓછામાં ઓછા બે કરોડ ડૉલરના ગવર્નન્સ ટોકન ખરીદ્યા છે અને તે પ્રોજેક્ટનો હિસ્સો બન્યા છે. એરિકે થોડા સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, અમે ટૂંકસમયમાં અમેરિકાના ફાયનાન્સના ભાવિનું પ્રતીક બનીશું. તેમણે વર્લ્ડ લિબર્ટીના નેજા હેઠળ હજી સુધી ક્રિપ્ટોકરન્સી આધારિત નાણાકીય પ્લેટફોર્મ તૈયાર કર્યું નથી. પરંતુ તે સપ્ટેમ્બર-24માં લોન્ચ કરવાનું વચન આપ્યું હતું.
અમેરિકાના પ્રમુખના સત્તાવાર ખુલાસાઓ, સંપત્તિ રૅકોર્ડ, કોર્ટ કેસમાં રજૂ નાણાકીય રૅકોર્ડ, ક્રિપ્ટો બિઝનેસની માહિતી અને અન્ય સ્રોતો પર આધારિત માહિતીના આધારે 2024ના પ્રથમ છ માસમાં ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનની આવક 51 મિલિયન ડૉલર હતી. જેમાં ટ્રમ્પ ફેમિલીના રિસોર્ટ્સ, રિયલ એસ્ટેટ, ક્રિપ્ટો અને અન્ય બિઝનેસ સામેલ હતા. જેમાંથી ટ્રમ્પ ફેમિલીને ક્રિપ્ટો મારફત 579 હજાર ડૉલરની કમાણી થઈ હતી.
ટ્રમ્પ ફેમિલીની કમાણી 17 ગણી વધી
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં ટ્રમ્પ ફેમિલીની આવક ગત વર્ષની તુલનાએ 17 ગણી વધી 864 મિલિયન ડૉલર થઈ છે. જેમાં 90 ટકા કમાણી અર્થાત્ 802 મિલિયન ડૉલરની કમાણી ક્રિપ્ટો મારફત થઈ છે. આ કમાણીમાં વર્લ્ડ લિબર્ટી ટોકનના વેચાણ પણ સામેલ છે. એક વર્ષમાં જ ટ્રમ્પ ફેમિલીની ક્રિપ્ટો મારફ કમાણી અનેકગણી વધી છે. 2025ના પ્રથમ છ માસમાં ક્રિપ્ટો મારફત 80 કરોડ ડૉલરથી વધુ આવક થઈ છે. 26 જૂનના રોજ યુએઈની એક ક્રિપ્ટો કંપનીએ જાહેરાત કરી હતી કે, તેણે વર્લ્ડ લિબર્ટી પાસેથી 10 કરોડ ડૉલરથી વધુ ક્રિપ્ટો ટોકન ખરીદ્યા છે.
ટ્રમ્પ પરિવારની અડધાથી વધુ કમાણી 46.3 કરોડ ડૉલર માત્ર વર્લ્ડ લિબર્ટી ટોકનના વેચાણ મારફત થઈ હતી. જેમાં યુએઈની કંપની પાસેથી 7.5 કરોડ ડૉલરની આવક સામેલ છે. વર્લ્ડ લિબર્ટીની સત્તાવાર વેબસાઇટમાં પણ દર્શાવ્યું છે કે, ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન યુનિટને વર્લ્ડ લિબર્ટી સાથે જોડાણ મારફત ટોકનના વેચાણથી 75 ટકા આવક પ્રાપ્ત થઈ છે.

