Get The App

ભારત સહિત એશિયા,યુરોપને જોડતા સમુદ્ર માર્ગે માલોનું પરિવહન અટકશે

- યુદ્ધથી રાતા સમુદ્ર મારફત જહાજોની અવરજવર પર અસર

- 0 ઈરાનની તુલનાએ ભારતનો ઈઝરાયલ સાથે સારા વેપાર સંબંધો દ્વીપક્ષી વેપારમાં ખલેલ ઉપરાંત પ્રાદેશિક અસ્થિરતા વૈશ્વિક નિકાસ પર અસર કરવાનું જોખમ રહેલું છે. યુદ્ધ લાંબુ ચાલશે તો રાતા સમુદ્ધ કોરિડોરમાં ખલેલને કારણે જહાજોના નૂર દરમાં વધારો થશે. રાતા સમુદ્રનો માર્ગ ભારત સહિત એશિયાના દેશો અને યુરોપને જોડતો મુખ્ય માર્ગ છે.

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ભારત સહિત એશિયા,યુરોપને જોડતા સમુદ્ર માર્ગે માલોનું પરિવહન અટકશે 1 - image

મુંબઈ : અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર શનિવારે શરૃ કરાયેલા હુમલાને પરિણામે ભારતના ઈરાન સાથેના વિદેશ વેપાર પર મોટી અસર જોવા નહીં મળે એમ સરકારી સુત્રો જણાવી રહ્યા છે. જોકે ઈઝરાયલ સાથે તાજેતરના દિવસોમાં ભારતના વેપારમાં વધારો થઈ રહ્યો છે તેના પર કદાચ અસર જોવા મળવા સંભવ છે. 

ઊંચા લોજિસ્ટિક ખર્ચને કારણે પશ્ચિમી દેશોમાં નિકાસ વધારવાના ભારતના પ્રયાસો સામે અવરોધ ઊભો કરશે તથા આયાત બિલમાં વધારો કરાવશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને ક્રુડ ઓઈલ તથા કાચા માલની આયાત અવરોધાશે. 

ભારત તથા ઈરાન વચ્ચે દ્વીપક્ષી વેપાર ઘણો જ મર્યાદિત છે. ગયા નાણાં વર્ષમાં બન્ને દેેશો વચ્ચેનો વેપાર આંક ૧.૬૮ અબજ ડોલર રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૭.૦૩ અબજ ડોલર જોવા મળ્યો હતો. 

અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાન ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત તબક્કાવાર ઘટી રહી છે. ગયા નાણાં વર્ષમાં ઈરાન ખાતેથી ભારતની આયાત ૦.૪૪ અબજ ડોલર રહી હતી જ્યારે નિકાસ ૧.૨૪ અબજ ડોલર રહી હતી. 

ભારત ખાતેથી ઈરાનમાં નિકાસમાં મુખ્યત્વે બાસમતિ, ચા, ખાંડ તથા ફળોનો સમાવેશ થાય છે. જ્યારે ઈરાન ખાતેથી આયાતમાં સફરજન, પિસ્તા તથા ખજુરનો સમાવેશ થાય છે. 

બીજી બાજુ યુદ્ધની સ્થિતિને કારણે ઈઝરાયલ સાથેના ભારતના વેપાર પર ટૂંક સમય માટે ખલેલ પહોંચી શકે છે. 

છેલ્લા એક દાયકામાં ઈઝરાયલ ખાતે ભારતની નિકાસ ૨૧ ટકા વધી છે. સંરક્ષણ તથા ટેકનોલોજી સાધનોની નિકાસમાં વધારો થવા પામ્યો છે.

ઈઝરાયલ ખાતેથી શસ્ત્રો તથા દારૃગોળાની ભારતની આયાત જે નાણાં વર્ષ ૨૦૧૩માં દસ લાખ ડોલર હતી તે નાણાં વર્ષ ૨૦૨૪ સુધીમાં વધી ૧૦.૪૦ કરોડ ડોલર પર પહોંચી ગઈ હતી. 

ભારતની ક્રુડ તેલની મહિનાની કુલ આયાતમાંથી પચાસ ટકા અવરોધાશે

અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર  શનિવારે કરાયેલા  હુમલા બાદ મધ્ય પૂર્વ વિસ્તારમાં સંઘર્ષ લાંબો ચાલશે તો ભારતના ક્રુડ તેલની આયાતનો મુખ્ય સમુદ્રી માર્ગ સ્ટ્રેઈટ ઓફ હોરમઝમાં ખલેલ ઊભી થઈ શકે છે, જે ભારતની ક્રુડ તેલની ૫૦ ટકા માસિક આયાત પર અસર કરશે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતની ક્રુડ તેલની મહિનાની કુલ આયાતમાંથી ૫૦ ટકા આયાત હોરમઝ સામુદ્રધુની મારફત થાય છે. આ માર્ગ પર કોઈપણ અવરોધથી ભારત અને વૈશ્વિક ઓઈલ માર્કેટ પર તાત્કાલિક અસર જોવા મળશે. 

ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ તથા કુવૈત ખાતેથી  ભારતનું પ્રતિ દિન ૨૬ લાખ બેરલ ક્રુડ તેલ આ માર્ગેથી આયાત થાય છે. જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં ભારતના કુલ ક્રુડ તેલની આયાતમાંથી મહિને ૫૦ ટકા આયાત આ માર્ગે થઈ હતી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.