ક્રિપ્ટો એક્સચેન્જ Vauld પર ટ્રેડિંગ સસ્પેન્ડ, ભારતીયોના કરોડો ફસાયા
- ક્રિપ્ટોમાં કડાકાને પગલે ૧૨ જૂન, ૨૦૨૨ પછી રોકાણકારોએ વોલ્ડના પ્લેટફોર્મ પરથી ૧૯.૭૭ કરોડ ડોલર પાછાં ખેંચ્યા
- રોકાણકારોના એકાઉન્ટમાં જમા-ઉપાડ પર પ્રતિબંધ મૂકાયો
મુંબઈ : ક્રિપ્ટોકરન્સીમાં તોતિંગ કડાકાથી થયેલા નુકસાનની કળ વળી નથી ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરનાર ભારતીય રોકાણકારો માટે વધુ એક માઠા સમાચાર છે. સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતા ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ વોલ્ડ (ફચેનગ) એ તેના પ્લેટફોર્મ પરથી ટ્રેડિંગ સસ્પેન્ડ કરવાની સાથે સાથે રોકાણકારો દ્વારા તેમના એકાઉન્ટમાં જમા-ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ વોલ્ડ પ્લેટફોર્મનું હેડક્વાર્ટર ભલે સિંગાપોર હોય પરંતુ તેનો મોટાભાગનો બિઝનેસ ભારતમાં જ છે, આમ ટ્રેડિંગ સસ્પેન્ડ કરતા ભારતીયોના જંગી નાણાં ફસાઇ ગયા છે.
તાજેતરમાં ક્રિપ્ટોકરન્સીમાં મસમોટા કડાકા બાદ રોકાણકારો મોટા પ્રમાણમાં પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા હતા, આથી જમા-ઉપાડ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ૧૨ જૂન, ૨૦૨૨ બાદથી રોકાણકારોએ આ ક્રિપ્ટો એક્સચેન્જમાંથી ૧૯.૭૭ કરોડ ડોલરથી વધારે નાણાં પાછાં ખેંચ્યા છે.
કોઇનબેસ દ્વારા સમર્થિત ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જે જણાવ્યુ કે, ક્રિપ્ટોકરન્સીમાં મસમોટા ગાબડાં અને ભારતમાં નિયમો કડક બનવાથી ટ્રેડિંગ વોલ્યૂમ પર ઉંડી અસર થઇ છે. કંપની સામે નાણાંકીય મુશ્કેલીઓ ઉભી થઇ છે, આ કારણસર ક્રિપ્ટો એક્સચેન્જે હાલ તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગત મહિને ૩૦ ટકા કર્મચારીની છટણી કરી હતી
ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ ચલાવતા વોલ્ડે ડિજિટલ કરન્સીઓમાં કડાકા બાદ ગત મહિને પોતાના ૩૦ ટકા કર્મચારીઓની છટણી કરી હતી. ઉપરાંત સિનિયર અધિકારીઓની સેલેરીમાં પણ ૫૦ ટકાનો કાપ મૂક્યો છે. ચાર વર્ષ જુના આ ક્રિપ્ટો એક્સચેન્જે ગત વર્ષે જુલાઇમાં સીરીઝ-એ ફંડિંગ રાઉન્ડમાં રૂ.૧૮૫ કરોડ ઉભા કર્યા હતા.