Get The App

આજે અખાત્રીજ: એક વર્ષમાં સોનામાં 30%નો વધારો

- ઊંચા ભાવને કારણે ગ્રાહકો ૨૨ કેરેટ સોના તરફ વળ્યા

- સ્ટડેડ જ્વેલરી, કુદરતી હીરા અને રત્નનાં દાગીના પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
આજે અખાત્રીજ: એક વર્ષમાં સોનામાં 30%નો વધારો 1 - image


ગત ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ સોનું રૂ. ૧ લાખને પાર થયું હતું

અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનું ચમક્યું છે. ૧૦ મે, ૨૦૨૪(ગઈ અક્ષય તૃતીયા) થી અત્યાર સુધીમાં, સોનાએ ૩૦% થી વધુ વળતર આપ્યું છે. જેમ જેમ અક્ષય તૃતીયા (અખા ત્રીજ)  નજીક આવે છે તેમ તેમ કિંમતી પીળી ધાતુનું આકર્ષણ વધુ મજબૂત બને છે. જોકે ચાલુ વર્ષે ઊંચા ભાવને કારણે ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો ૨૨ કેરેટ સોના તરફ વળતા જોવા મળ્યા છે. હાલ ૨૨ કેરેટ સોનાના ભાવ રૂ.૭૯૫૦ આસપાસ છે. 

૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ, મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દબાણને કારણે સોનાની કિંમત પ્રથમ વખત ૧૦ ગ્રામ માટે રૂ. ૧ લાખને પાર કરી ગઈ હતી.  આ ઉછાળાને કારણે ગત વર્ષની અક્ષય તૃતીયા (૨૦૨૪)ની સરખામણીમાં સોનાના ભાવમાં ૩૦%નો વધારો થયો છે. ગત અક્ષય તૃતીયાએ સોનાનો ભાવ રૂ. ૭૩,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો. તે જ સમયે, ૨૦૧૯ની સરખામણીમાં કિંમતોમાં લગભગ ૨૦૦% વધારો થયો છે. ૨૦૧૯માં, સોનું રૂ. ૩૧,૭૨૯ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ઉપલબ્ધ હતું.

સોનાના રેકોર્ડ ઊંચા ભાવને કારણે આ અક્ષય તૃતીયાએ સોનાના વેચાણની માત્રામાં ઘટાડો થઈ શકે છે. જો કે, એકંદર આવક ગયા વર્ષની જેમ સમાન સ્તરે રહેવાની ધારણા છે.

સોનાના ઊંચા ભાવની અસર ગ્રાહકોની ખરીદીની આદતો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઘણા પરિવારો હવે મે, જૂન અને જુલાઈમાં થતા લગ્નો માટે ભારે જ્વેલરીને બદલે લાઈટ જ્વેલરી પસંદ કરી રહ્યા છે. આ સાથે ૧૪ કેરેટ અને ૧૮ કેરેટ સોનાની માંગ પણ વધી રહી છે.

બદલાતા ટ્રેન્ડને જોતા જ્વેલર્સ પણ નવી વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેઓ ઊંચી કિંમતો હોવા છતાં ગ્રાહકોને આકર્ષવા માટે પ્રમોશનલ ડીલ્સ, એડવાન્સ બુકિંગ અને એક્સચેન્જ સ્કીમ જેવી સુવિધાઓ ઓફર કરી રહ્યા છે. ઘણા ગ્રાહકો પરંપરાને અનુસરવા માટે પ્રતીકાત્મક રીતે ૧ કે ૨ ગ્રામ સોનું ખરીદશે.

જો ભૌગોલિક રાજકીય તણાવ વધશે અથવા વૈશ્વિક આર્થિક સ્થિતિ બગડે તો સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. યુ.એસ.માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો પણ સોનાના ભાવમાં વધારા માટે મુખ્ય કારણ બની શકે છે. 

તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે...

જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો મુલતવી રાખે, મધ્યસ્થ બેન્કો તેમની ખરીદી ધીમી કરે અથવા યુએસ અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરે તો સોનાના ભાવ અસ્થાયી ધોરણે ઘટી શકે છે. આવી સ્થિતિમાં, સોનું ૩,૦૦૦-૨,૯૦૦ ડોલર પ્રતિ ઔંસ અથવા ૯૦,૦૦૦-૮૭,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઈ શકે છે. અહેવાલ મુજબ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સોનાના ભાવ વર્તમાન સ્તરોથી અસ્થિર રહી શકે છે અને બજાર અસ્થિર રહેશે. આ સમયગાળા દરમિયાન, સોનાના ભાવ પ્રતિ ઔંસ ૨,૯૦૦ થી ૩,૩૦૦ ડોલર અથવા ૧૦ ગ્રામ દીઠ રૂ.૮૬,૦૦૦ થી રૂ.૯૬,૦૦૦ની રેન્જમાં રહી શકે છે.

છેલ્લા ૧૦ વર્ષમાં અખાત્રીજે સોનાનો ભાવ

વર્ષ

ભાવ

વળતર

-

(રૃ.કિં)

(ટકામાં)

૨૦૧૪

૩૦૧૮૨

-

૨૦૧૫

૨૬૯૩૬

-૧૧

૨૦૧૬

૨૯૮૦૫

૧૧

૨૦૧૭

૨૮૮૭૩

-૩

૨૦૧૮

૩૧૫૩૪

૨૦૧૯

૩૧૭૨૯

૨૦૨૦

૪૬૫૨૭

૪૭

૨૦૨૧

૪૭૬૭૬

૨૦૨૨

૫૦૮૦૮

૨૦૨૩

૫૯૮૪૫

૧૮

૨૦૨૪

૭૩૨૪૦

૨૨

૨૦૨૫

૯૯૦૦૦

૩૦

Tags :