Get The App

માળખાકીય ક્ષેત્રમાં આકર્ષણને પગલે પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટમાં ત્રણ ગણો વધારો

- જીડીપીના ૧.૮૦ ટકા પ્રાઈવેટ ઈક્વિટી રોકાણ સાાૃથે ભારત વૈશ્વિક સરેરાશની બરોબર આવી ગયું

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
માળખાકીય ક્ષેત્રમાં આકર્ષણને પગલે  પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટમાં ત્રણ ગણો વધારો 1 - image

મુંબઈ, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર

વર્તમાન વર્ષના નવેમ્બરમાં પ્રાઈવેટ ઈક્વિટી /વેન્ચર કેપિટલ  (પીઈ/વીસી) મારફત ઈન્વેસ્ટમેન્ટમાં વાર્ષિક ધોરણે ત્રણ ગણો વધારો થઈને ૪.૮૦ અબજ ડોલર રહ્યું છે. ગયા વર્ષના નવેમ્બરમાં આ આંક ૧.૮૦ અબજ ડોલર રહ્યો હતો. માળખાકીય ક્ષેત્રમાં જંગી ફલોઝને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે.

ઓકટોબર ૨૦૧૯ની સરખામણીએ પણ ઈન્વેસ્ટમેન્ટ આંક ૫૦ ટકા વધુ રહ્યો છે. એકઝિટસનો આંક ૧.૪૦ અબજ ડોલર રહ્યો છે. ઓપન માર્કેટ એકઝિટમાં થયેલા વધારાને કારણે એકઝિટનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.

વર્તમાન વર્ષમાં ભારતમાં અત્યારસુધી પીઈ/વીસી મારફતના ઈન્વેસ્ટમેન્ટનો આંક ૪૪.૨૦ અબજ ડોલર રહ્યો છે જે ૨૦૧૮ના સંપૂર્ણ વર્ષ કરતા ૧૮ ટકા વધુ છે. ૨૦૧૮માં ૩૭.૪૦ અબજ ડોલરનું  પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ જોવાયું હતું.

વોલ્યુમની દ્રષ્ટિએ નવેમ્બરમાં પીઈ/વીસી સોદાનો આંક વાર્ષિક ધોરણે ૩૮ ટકા વધીને ૯૪ સોદા રહ્યો હતો. ઓકટોબરની સરખામણીએ આ આંક ૬ ટકા વધુ રહ્યો છે. ૨૦૧૮ના નવેમ્બરમાં સોદાનો આંક ૬૮ રહ્યો હતો જ્યારે વર્તમાન વર્ષના ઓકટોબરમાં આ આંક ૮૯ સોદા રહ્યો હતો. 

દેશમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો સારો રહ્યો હતો. અને આખા વર્ષનો આંક ૪૮થી ૫૦ અબજ ડોલર સુધી પહોંચવાની શકયતા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

 જીડીપીના ૧.૭થી ૧.૮૦ ટકા એ એક નોંધપાત્ર આંકડો ગણાય અને આ મુદ્દે   ભારત ચીન તથા વૈશ્વિક સરેરાશની સમકક્ષ આવી ગયું છે.

૨૦૧૯માં થયેલા કુલ પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટમાં ૩૩ ટકા ઈન્વેસ્ટમેન્ટ માળખાકીય ક્ષેત્રમાં જોવાયું છે. આ ક્ષેત્રમાં ૨૫.૧૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું છે. સરકાર પોતાના ડીસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને આગળ લઈ જવાની તૈયારીમાં છે ત્યારે અને અનેક કંપનીઓ મૂડી ઊભી કરવા પોતાના હિસ્સાનું વેચાણની યોજના ધરાવતી હોવાનું ધ્યાનમાં રાખતા આગળ જતા માળખાકીય ક્ષેત્રમાં આંક વધવાની અપેક્ષા છે.

નવેમ્બરમાં ૧૦ કરોડ ડોલરથી વધુના એવા ૧૨ પીઈ/વીસી  સોદા થયા હતા. ગયા વર્ષના નવેમ્બરમાં આ આંક પાંચ સોદા સુધી સીમિત રહ્યો હતો અને વર્તમાન વર્ષના ઓકટોબરનો આ આંક પણ પાંચ રહ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.  


Tags :