ચાલુ વર્ષે 50 ટકા જેટલા ઈક્વિટી મ્યુ. ફંડોનો બેન્ચમાર્ક કરતા નબળો દેખાવ
- સૌથી ખરાબ દેખાવ વેલ્યુ ઓરીએન્ટેડ ફંડોનો : ૨૯ ટકા જેટલા સ્મોલકેપ યોજનાનો નબળો દેખાવ
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2019, સોમવાર
ચાલુ ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે કાર્યરત યોજનાઓ પૈકી ૫૦ ટકા જેટલી યોજનાઓનો દેખાવ તેમના બેન્ચમાર્ક કરતાં નબળો પૂરવાર થયો છે. જો કે, ૨૦૧૮ના વર્ષની તુલનાએ તેમનો દેખાવ એકંદરે સારો રહ્યો છે.
દેશમાં કાર્યરત મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ૨૦૧૯ના વર્ષમાં કાર્યરત ૩૨૩ ઈક્વિટી ફંડ યોજનામાંથી ૧૬૦ જેટલી યોજનાએ તેમના બેન્ચમાર્ક કરતો નબળો દેખાવ રજૂ કર્યો હતો.
સૂચિત સમય દરમિયાન સૌથી ખરાબ દેખાવ વેલ્યુ ઓરીએન્ટેડ ઈક્વિટી ફંડ કેટેગરીનો રહ્યો હતો. વર્ષ દરમિયાન આ પ્રકારની યોજનાઓએ તેમના બેન્ચમાર્ક કરતા ૭૭ ટકા જેટલો નબળો દેખાવ કર્યો હતો. વર્ષ દરમિયાન ૯૨ ટકા જેટલી આવી સ્કીમોએ નબળો દેખાવ કર્યો હતો. ૨૦૧૮માં પણ આવી યોજનાઓએ નબળો દેખાવ કર્યો હતો.
ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ યોજનાઓએ (ઈએમએસએસ) વર્ષ દરમિયાન ૬૩ ટકા જેટલો અને મલ્ટી કેપ ફંડ યોજનાઓએ ૫૩ ટકા નબળો દેખાવ કર્યો હતો.
આ સમય દરમિયાન ટેક્સ સેવિંગ્સ યોજનાઓએ ૮.૭૪ ટકા જેટલું પોઝિટીવ રિટર્ન આપ્યું હતું.
જો કે, લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ ૫૫ ટકા નબળું વળતર આપ્યું હતું. ત્યારે મિડકેપ ફંડોમાં એવરેજ ૪.૫ ટકા વળતર મળ્યું હતું. ૨૯ ટકા જેટલી સ્મોલકેપ યોજનાઓએ તેમના બેન્ચમાર્ક કરતા નબળો દેખાવ કરતા ૧.૫૦ ટકાનું નેગેટીવ વળતર આપ્યું હતું.