નવી દિલ્હી, તા. 14 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ભારત બેઠક દરમિયાન અમેરિકા તથા ભારત વચ્ચે થનારા સૂચિત મર્યાદિત વેપાર કરારમાં ભારત, અમેરિકા માટે પોતાની પોલ્ટ્રી અને ડેરી માર્કેટસ આંશિક રીતે ખુલ્લી મૂકવા વિચારી રહ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબુ્રઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ તરીકે તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
અત્રે ઉલ્લેખનિય છે કે મુકત વેપાર કરાર મંત્રણમાં ભારત ન્યુઝિલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી ડેરી પ્રોડકટસની મુકત આયાતને છૂટ આપવા મંત્રણા કરી રહ્યું હતું તે વેળાએ સ્થાનિક ઉદ્યોગો દ્વારા તે સામે જોરદાર વિરોધ નોંધાયો હતો.
ભારત એ વિશ્વમાં દૂધનો મોટો ઉત્પાદક દેશ છે. દેશના ડેરી ઉદ્યોગને રક્ષણ પૂરું પાડવા ભારતે દૂધ તથા દૂધમાંથી બનતા ઉત્પાદનોની આયાત પર અંકૂશ મૂકેલા છે. દેશના ૮ કરોડ ગ્રામ્ય પરિવારો ડેરી ઉદ્યોગ પર નભે છે.
૧૯૭૦ના દાયકાથી ભારતને અમેરિકાએ આપેલા ખાસ વેપાર દરજ્જાને ૨૦૧૯માં ટ્રમ્પે પાછો ખેંચી લીધોે હતો. કાર્ડિઆક સ્ટેન્ટસ તથા ઘૂંટણની ઈમ્પલાન્ટસ જેવા તબીબી સાધનો પર મોદી સરકારે ભાવ નિયંત્રણ લાગુ કરતા અને ડેટા લોકલાઈઝેશનની આવશ્યકતાઓ તથા ઈ-કોમર્સ અંકૂશો મુકાવાને કારણે અમેરિકાનું આ પગલું આવી પડયું હતું.
ટ્રમ્પની સૂચિત ભારત મુલાકાતથી એવી આશા જાગી છે કે, અમેરિકા ભારતને કેટલાક ટ્રેડ પ્રેફરન્સિસ પ્રસ્થાપિત કરશે. જેની સામે ભારતે કદાચ ટેરિફમાં ઘટાડો અને કેટલીક રાહતો આપવી પડે એમ છે.
ચીન બાદ અમેરિકા ભારતનો બીજો મોટો વેપાર ભાગીદાર દેશ છે. ૨૦૧૮માં અમેરિકા-ભારતનો દ્વીપક્ષી વેપાર આંક ૧૪૨.૬૦ અબજ ડોલર પર પહોંચ્યો હતો. ૨૦૧૯માં ભારત સાથે અમેરિકાની વેપાર ખાધનો આંક ૨૩.૨૦ અબજ ડોલર રહ્યો હતો.
વેપારમાં ભારતના પ્રોડકટસને પ્રેફરન્સની સામે ભારતે તેની ડેરી માર્કેટ ખૂલ્લી મૂકવી પડશે એવી અમેરિકાએ શરત મૂકી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે ભારત આ છૂટ પાંચ ટકા ટેરિફ અને કવોટા સાથે આપવા વિચારે છે. અમેરિકા ખાતેથી પોલ્ટ્રી પ્રોડકટસની આયાતની પણ કદાચ પરવાનગી અપાય તેવી વકી છે.


