ચોમાસા જેવા માહોલના લીધે ફ્રીઝ તથા એસીના વેચાણમાં વૃદ્ધિ જોવા ન મળી
- આમ છતાં ઉત્પાદકો ઉત્પાદન કાપથી દૂર રહ્યા
- અનિશ્ચિત વાતાવરણને પગલે ઠંડા પીણાંના ઉત્પાદકો પણ વિમાસણમાં
મુંબઈ : માર્ચમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો નોૅંધાતા ગરમીની મોસમ માટેના કપડા, ખાદ્ય પદાર્થો, ફ્રીજ તથા એસી જેવા સાધનોના વેચાણમાં વધારો થવાની અપેક્ષા હાલમાં ઘટી ગઈ છે.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ભારે ગરમીના અનુભવ બાદ ઉનાળામાં વપરાતા માલસામાનના ઉત્પાદકોને આ વર્ષે ઉનાળો વહેલો બેસી જવાની અને તેને પગલે માલસામાનના વેચાણમાં વધારો થવાની આશા જાગી હતી, પરંતુ માર્ચમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ઠંડી જોવા મળતા એસી, ફ્રીઝ, આઈસક્રીમ તથા ઠંડા પીણાંની માગમાં ખાસ વધારો થયો નહતો એમ એક મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સના સેલ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
આ વર્ષે અલ નિનોની અસરને કારણે ઉનાળો લંબાઈ જવાની શકયતા નકારાતી નથી, પરંતુ ફ્રીજ તથા એસીની વેચાણ વૃદ્ધિ એપ્રિલ - મેમાં દેશમાં વાતાવરણ કેવું રહે છે તેના પર આધાર રાખશે, એમ એક કંપનીના બિઝનેસ હેડે જણાવ્યું હતું.
માર્ચમાં વેચાણમાં ભલે વધારો જોવા ન મળ્યો હોય પરંતુ એપ્રિલ-મેમાં વધારો જોવા મળવાની અપેક્ષા છે, માટે અમે ઉત્પાદન પર કાપ મૂકી રહ્યા નથી. કલાયમેટ ચેન્જની સ્થિતિમાં દેશમાં વાતાવરણમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જેને લઈને ઠંડા પીણાં તથા આઈસક્રીમ જેવા પ્રોડકટસના ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરવાનો વારો આવ્યો છે એમ બિવરેજિસ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષના માર્ચના બીજા પખવાડિયામાં એસીનું વેચાણ ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ વીસથી બાવીસ ટકા નીચું રહ્યાનું એક ડીલરે જણાવ્યું હતું. એસી- ફ્રીઝ જેવા સાધનોના વાર્ષિક વેચાણમાંથી ૪૫થી ૫૦ ટકા વેચાણ માર્ચથી જુનના ગાળામાં થતું હોય છે.