મુંબઈ : ભારતના કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન તથા આરોગ્યસંભાળ ક્ષેત્રના મૂલ્યમાં ૨૦૩૫ સુધીમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ૫૫૦ અબજ ડોલર જેટલો ઉમેરો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
પીડબ્લ્યુસી દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે દેશમાં ૨૦૫૦ સુધીમાં લોકસંખ્યાનો આંક વધી ૧.૬૦ અબજ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખતા ખાધ્ય પદાર્થના ઉત્પાદનમાં ૭૦ ટકા વધારો કરવાની આવશ્યકતા છે ત્યારે એઆઈ સહિતની ડિજિટલ ટેકનોલોજીસના જોડાણ ઉત્પાદકતામાં વધારો કરવા માટે મહત્વના છે.
કૃષિ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગથી તેના મૂલ્યમાં ૧૫૪ અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે.
આજરીતે ભારતમાં જ્યાં માત્ર ૮.૨૫ ટકા એવા શિક્ષિતો છે જેઓ તેમના શિક્ષણ પ્રમાણે રોજગાર મેળવી શકે છે ત્યાં એઆઈનો ઉપયોગ આવશ્યક છે જેથી શિક્ષણ બજેટના અર્થપૂર્ણ ખર્ચની ખાતરી રહે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વીજ ચોરી અટકાવવા એઆઈનો ઉપયોગ કરાશે તો વીજનો સતત પૂરવઠો જાળવી રાખવામાં મદદ મળશે, જે છેવટે વીજ ક્ષેત્રની આવકમાં વધારો કરાવશે.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે વિશ્વના ૧૧ દેશોમાં ૨૦૧૦થી ૨૦૨૪ના ગાળામાં એઆઈ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિકોણથી ભારતનું સ્થાન ૮માં ક્રમે છે. ૧૧ દેશોમાં અમેરિકા તથા સિંગાપુર પ્રથમ સ્થાને છે.
૨૦૧૦થી એઆઈ ક્ષેત્રે ભારતનું એકંદર ઈન્વેસ્ટમેન્ટ તેના ૨૦૨૪ના જીડીપીના ૧.૨૦-૧.૮૦ ટકા રહ્યું હતું. અમેરિકામાં આ આંક ૩.૪૦-૫.૧૦ ટકા જ્યારે સિંગાપુરમાં ૩.૧૦-૪.૬૦ ટકા રહ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.


