આર્થિક વિકાસ દરમાં ઘટાડો છતાં શેરબજારમાં વિક્રમી સપાટી
- ઉદારીકરણ બાદ સેન્સેકસમાં કંપનીઓની ફેરબદલના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
સતત છ ત્રિમાસિક ગાળા સુધી ભારતનો આર્થિક વિકાસ દર નબળો પડવા છતાં દેશના શેરબજારો દેશના વિકાસને લઈને આશાવાદી હોય તે રીતે બીએસઈ સેન્સેકસ માર્ચથી ડિસેમ્બર ૨૦૧૯ના ગાળામાં સાત ટકા વધ્યું હોવાનું ૨૦૧૯-૨૦૨૦ના આર્થિક સર્વેમાં જણાવાયું છે.
વિશ્વના મોટા અર્થતંત્રો મંદ પડી રહ્યા છે અને અમેરિકા દ્વારા નાણાં નીતિ હળવી બનાવાઈ રહી છે તેને જોતા ભારત એક આકર્ષક રોકાણ મથક બની રહ્યું હોવાની માન્યતા પ્રવર્તી રહી હોવાનું આના પરથી પ્રદર્શિત થાય છે.
સતત છ ત્રિમાસિક ગાળા સુધી આર્થિક વિકાસ દર ઘટવા છતાં, દેશના શેરબજારો આર્થિક વિકાસ ભાવિને લઈને હકારાત્મક છે, એમ સર્વેમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં નેટ એફડીઆઈ તથા નેટ એફપીઆઈનો આંક અનુક્રમે ૨૪.૪૦ અબજ ડોલર અને ૧૨.૬૦ અબજ ડોલર રહ્યો છે, જે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના આ ગાળા દરમિયાન જોવાયેલા ઈન્ફલોઝ કરતા પણ વધુ છે.
વર્તમાન નાણાં વર્ષ દરમિયાન નિફટી૫૦ તથા સેન્સેકસ બન્નેએ વિક્રમી સપાટી દર્શાવી છે. ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સેન્સેકસે ૪૧૯૫૨ સાથેની ઓલ ટાઈમ હાઈ કલોઝિંગ સપાટી બતાવી હતી જે ૧લી એપ્રિલ ૨૦૧૯ના જોવાયેલા ૩૮૮૭૧ના સ્તરની સરખામણીએ ૭.૯૦ ટકા વધુ છે.
દરમિયાન સેન્સેકસ કંપનીઓ જે ઉદારીકરણ પહેલા ઈન્ડેકસમાં ૬૦ વર્ષ સુધી જળવાઈ રહેવાની અપેક્ષા રખાતી હતી તે સમયગાળો હવે ઉદારીકરણ બાદ ઘટીને ૧૨ વર્ષ જેટલો નાનો આવી ગયો છે. એક તૃતિયાંશ જેટલી કંપનીઓ દર પાંચ વર્ષે ઈન્ડેકસમાંથી નીકળી જાય છે, એમ સર્વેમાં જણાવાયું છે.
૧૯૯૧ના ઉદારીકરણના વર્ષો બાદ, નવી કંપનીઓના ઝડપી ઉદય, નવા આઈડિયાસ, નવી ટેકનોલોજિસ અને કામકાજની નવી પ્રક્રિયાઓએ સેન્સેકસમાં જોરદાર ફેરબદલો માટેના કારણો બન્યા છે.