મે માસમાં સેવા ક્ષેત્રનો PMI વધીને અગિયાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો
- ફુગાવાજન્ય દબાણો સેવા ક્ષેત્રે માગને રૂંધી નાખશે તેવી ઉદ્યોગોમાં ચિંતા
મુંબઈ : કોરોનાને લગતા પ્રતિબંધો દેશભરમાં લગભગ ઉઠાવી લેવાયા બાદ દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે. ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) મેમાં વધીને ૧૧ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. જો કે ફુગાવાજન્ય દબાણો કંપનીઓ માટે ચિંતા બની ગઈ છે.
ફુગાવાજન્ય દબાણો છતાં પણ ગયા મહિને મજબૂત માગને પગલે સેવા ક્ષેત્રમાં સુધારો જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પીએમઆઈ વધીને ૫૮.૯૦ રહ્યો છે, જે એપ્રિલમાં ૫૭.૯૦ રહ્યો હતો. ૨૦૧૧ના એપ્રિલ બાદ વર્તમાન વર્ષના મેનો પીએમઆઈ અત્યારસુધીનો સૌથી ઊંચો જોવાયો છે.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સતત દસમાં મહિને મેનો પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે.
કોરોનાને લગતા પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ આર્થિક પ્રવૃત્તિ સામાન્ય બની રહી છે ત્યારે સેવા માટેની માગમાં પણ જોરદાર વધારો થયો છે. અર્થતંત્રને ખુલ્લુ મૂકવાનો નિર્ણય સેવા ક્ષેત્રના વિકાસને ટેકો પૂરો પાડી રહ્યો છે, એમ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ખાતેના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
પીએમઆઈ તૈયાર કરવા માટે જ્યારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી મેમાં પહેલી વખત સેવા ક્ષેત્રે ઈનપુટ કોસ્ટમાં ઝડપી વધારો થયો છે.
કિંમતોમાં વધારાને કારણે વેપાર આશાવાદ ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો છે. કેટલીક પેઢીઓ માગમાં વધારો થવા ધારણાં રાખી રહી છે ત્યારે બીજી કેટલીક કંપનીઓ ફુગાવાજન્ય દબાણ વિકાસને રૂંધી નાખશે તેવી ચિંતા ધરાવે છે. કાચા માલની કિંમતોમાં વધારાને કારણે આવી પડેલા બોજામાંથી કેટલોક બોજ કંપનીઓ ગ્રાહકો પર પસાર કરી રહી છે.
વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૪.૧૦ ટકા રહ્યો છે પરંતુ ઊર્જા તથા કોમોડિટીઝના ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારાએ વિકાસ ભાવિ સામે જોખમ ઊભુ કર્યું છે.
ભારતમાં હાલમાં ફુગાવાનો દર આઠ વર્ષની ઊંચી સપાટીએ છે જેને કારણે રિઝર્વ બેન્કને વ્યાજ દરમાં વધારો કરવાની ફરજ પડી છે. એપ્રિલમાં કર્મચારીઓની ભરતી બાદ મેમાં સેવા ક્ષેત્રની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા પર સાધારણ કાપ મૂકયો હતો.