નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં સેન્સેક્સ 40888 થી 39888 તેમજ નિફટી 12111 થી 11777 વચ્ચે અથડાતો જોવાશે
- એફએન્ડઓમાં નવેમ્બર વલણના અંતનું સપ્તાહ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે ઓવરબોટ પોઝિશન હળવી થવાની શકયતા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 નવેમ્બર 2019, શનિવાર
કોર્પોરેટ પરિણામોની સીઝન પૂરી થયા બાદ બજાર માટે હાલ તુરત નવું ટ્રીગર કોઈ નહીં રહેતાં બજારમાં ગત સપ્તાહના અંતિમ દિવસોમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું છે. આર્થિક મોરચે કેન્દ્ર સરકાર દ્વારા મંદ પડતાં જતાં અર્થતંત્રને ફરી ધમધમતું કરવા પ્રોત્સાહનો-રાહતોના સંખ્યાબંધ પગલાં-નિર્ણયો લેવાયા છતાં ટૂંકાગાળામાં રિકવરી આવવાના કોઈ સંકેત નહીં મળતાં આ પડકારો વચ્ચે આર્થિક વૃદ્વિના સતત નબળા આવતાં આંકડા બજારનું સેન્ટીમેન્ટ ડહોળી રહ્યા છે. જેમાં હવે સંસદનું ચાલુ થયેલું શીયાળું સત્ર રાજકીય મોરચે મહારાષ્ટ્રની અપસેટ સર્જતી ધમાલ વચ્ચે હવે રજૂ થનારા ૨૭ બિલો કઈ રીતે પસાર કરાવી શકાય છે, એના પર બજારની નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં રજૂ થનારા ઓકટોબર ૨૦૧૯ મહિનાના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના આંકડા અને ભારતની ત્રીજા ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના જાહેર થનારા આંકડા પર નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ વાટાઘાટની પ્રગતિ પર નજર વચ્ચે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં નવેમ્બર વલણના અંતનું સપ્તાહ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે ઓવરબોટ પોઝિશન હળવી થવાની શકયતાનું બની રહેશે.
ખ:ર્ંમાં નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં સાવચેતી જરૂરી : અફડાતફડી વચ્ચે ઓવર બોટ પોઝિશન હળવી થવાની શકયતા
એફ એન્ડ ઓમાં નવેમ્બર વલણનો આગામી સપ્તાહમાં અંત પૂર્વે જ ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો થવાની શરૂઆત થતી જોવાઈ છે. જ્યારે સપ્તાહના અંતિમ દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ વધતું જોવાયું છે. જે ટ્રેન્ડ આગામી સપ્તાહમાં પણ જળવાઈ રહેવાની શકયતા છે. નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન વધુ હળવી થતી જોવાય એવી શકયતા સાથે ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીનું વેલ્યુબાઈંગ વધવાની શકયતા રહેશે. જ્યારે વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ ડીલના પોઝિટીવ સંકેત છતાં આ વાટાઘાટ પર વિશ્વના બજારોની સતત નજર રહેશે. જ્યારે આગામી દિવસોમાં ક્રુડ ઓઈલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની મળનારી મીટિંગ પૂર્વે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધતાં ક્રુડના ભાવ પર અને રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં બુધવારે ૨૭,નવેમ્બરના અમેરિકાના જીડીપી વૃદ્વિના ત્રીજા ત્રિમાસિકના જાહેર થનારા આંક અને જાપાનના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના કોન્ફિડેન્સ ઈન્ડેક્સ અને યુરો એરિયાના બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ ૪૦૮૮૮ થી ૩૯૮૮૮ અને નિફટી સ્પોટ ૧૨૧૧૧ થી ૧૧૭૭૭ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.
ડાર્ક હોર્સ : કામધેનુ લિ.
બીએસઈ(૫૩૨૭૪૧), એનએસઈ(KAMDHENU) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૬૫.૨૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, ISO 9001:2008 સર્ટિફાઈડ, કામધેનુ લિમિટેડ(KAMDHENU LTD.), વર્ષ ૧૯૯૪માં ભિવાડી, રાજસ્થાન ખાતે શરૂ થયેલી કંપની અત્યારે ટીએમટી સ્ટીલ બાર્સના ફ્રેન્ચાઈઝી મોડલ અને પોતાની ક્ષમતા થકી મેન્યુફેકચરીંગ-માર્કેટીંગમાં અગ્રણી હોવા સાથે કંપની ડેકોરેટીવ પેઈન્ટ સેગ્મેન્ટમાં સક્રિય છે. કંપનીના સ્ટીલ બિઝનેસમાં કામધેનુ બ્રાન્ડ સ્ટીલ રીબાર્સ, સ્ટ્રકચરલ સ્ટીલ, કલર્ડ-કોટેડ પ્રોફાઈલ સ્ટીલ અને પ્રિ-એન્જિનિયર્ડ બિલ્ડિંગનો સમાવેશ છે. જ્યારે ડેકોરેટીવ પેઈન્ટ સેગ્મેન્ટમાં કલર ડ્રીમ્ઝ બ્રાન્ડ થકી વોટર, પાવડર અને સોલવન્ટ બેઝડ ડેકોરેટીવ પેઈન્ટસનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
મેન્યુફેકચરીંગ ક્ષમતા : સ્ટીલ બિઝનેસમાં કંપની ફ્રેન્ચાઈઝી બેઝડ મેન્યુફેકચરીંગ સવલતોમાં કલર્ડ કોટેડ પ્રોફાઈલ શીટ્સની વાર્ષિક ૨.૫ લાખ મેટ્રિક ટન, સ્ટ્રકચરલ સ્ટીલની વાર્ષિક પાંચ લાખ ટન અને સ્ટીલ રીબાર્સની વાર્ષિક ૨૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે.આમ કંપની સ્ટીલ બિઝનેસમાં ૩૩ લાખ ટનની ક્ષમતા ધરાવે છે. જ્યારે પેઈન્ટમાં વાર્ષિક ૪૬,૦૦૦ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીની મેન્યુફેકચરીંગ ક્ષમતા વાર્ષિક ૭૨,૦૦૦ મેટ્રિક ટનથી વધીને ૧.૫૬ લાખ ટન થઈ છે. વર્ષ ૨૦૦૮માં ડેકોરેટીવ પેઈન્ટસ બિઝનેસમાં પ્રવેશ્યા બાદ કંપનીએ વર્ષ ૨૦૧૩માં કામધેનુ એસએસ ૧૦,૦૦૦ પ્રીમિયમ ટીએમટી બાર્સ રજૂ કરી વર્ષ ૨૦૧૪માં કામધેનુ સ્ટ્રકચરલ સ્ટીલ રજૂ કરી વર્ષ ૨૦૧૫માં ટીએમટી બ્રાન્ડસની સૌથી મોટી વેચાણ કરનાર કંપની બની હતી. વર્ષ ૨૦૧૬માં કંપનીનું નામ કામધેનુ ઈસ્પાત લિમિટેડ થી બદલીને કામધેનુ લિમિટેડ કરાયું હતું. વર્ષ ૨૦૧૭માં કામધેનુ નેક્સ્ટ ઈન્ટરલોક સ્ટીલ રજૂ કરનાર કંપનીએ વર્ષ ૨૦૧૮માં પેઈન્ટ ડિવિઝન ડીમર્જ-અલગ કર્યો હતો અને વર્ષ ૨૦૧૯માં કંપનીએ પોતાની મેન્યુફેકચરીંગ ક્ષમતાનું વિસ્તરણ કરીને વાર્ષિક ૭૨,૦૦૦ મેટ્રિક ટનથી વધારીને ૧.૫૬ લાખ મેટ્રિક ટન કરી છે. કંપની ૭૫થી વધુફ્રેન્ચાઈઝી, ૧૧,૫૦૦થી વધુ ડિલરો અને ડિસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક, ૩૨ સેલ્સ ડેપો ધરાવે છે. કંપનીએ વર્ષ ૨૦૧૮-૧૯માં રોયલ્ટીની આવક રૂ.૮૪ કરોડની મેળવી છે, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ.૧૦૦ કરોડ મેળવવાનું લક્ષ્ય છે.
કંપનીનું બ્રાન્ડ ટર્નઓવર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧૨,૦૦૦ કરોડને પાર કરી ગયું છે. જે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૮૦૦૦ કરોડનું હતું. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માંઆવક ગત વર્ષની રૂ.૧૧૭૯.૮ કરોડની તુલનાએ ૪ ટકા વધીને રૂ.૧૨૩૨.૪ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૫.૭ કરોડથી વધીને રૂ.૨૨.૫ કરોડ મેળવ્યો છે. સ્ટીલ બિઝનેસમાંથી આવક રૂ.૪૦૯ કરોડથી ૧૨૭ ટકા વધીને રૂ.૯૨૬.૬ કરોડ મેળવી છે. જ્યારે પેઈન્ટસ બિઝનેસમાંથી આવક રૂ.૧૮૧.૮ કરોડથી ૩૬ ટકા વધીને રૂ.૨૬૯.૮ કરોડ મેળવી છે. કંપનીની કુલ આવકમાં સ્ટીલ બિઝનેસનો હિસ્સો ૭૮ ટકા અને પેઈન્ટ બિઝનેસનો હિસ્સો ૨૨ ટકા રહ્યો છે.
કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર સતીષકુમાર અગ્રવાલ દ્વારા વાર્ષિક રીપોર્ટમાં જણાવાયા મુજબ હાઉસીંગ ફોર ઓલના સરકારના મિશનથી વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ૧.૧૮ કરોડ શહેરી મકાનો બનાવવાની યોજના અને ભારતમાલા બીજા સૌથી મોટા હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેકટ થકી ૩૪,૮૦૦ કિલોમીટર નવા રોડનું નિર્માણ અને રૂ.૬,૯૨,૦૦૦ કરોડના રોકાણને આવકાર્યું છે. બીજા ચરણમાં ૪૦૦૦ કિલોમીટર ગ્રીનફિલ્ડ રોડો અને ૩૦૦૦ કિલોમીટર એક્સપ્રેસવેનો લક્ષ્યાંક છે. જેથી ટીએમટી સ્ટીલ બાર્સની માંગ પ્રોત્સાહક રહેવાની અપેક્ષા છે. આ ઈન્ફ્રાસ્ટ્રકચ સાથે રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ટીએમટી સ્ટીલ બાર્સ અને પેઈન્ટસની માંગ પણ વધવાની અપેક્ષા છે. કંપનીની ફ્રેન્ચાઈઝી સાથેની ટીએમટી બાર્સની મેન્યુફેકચરીંગ ક્ષમતા અત્યારે ૩૩ લાખ મેટ્રિક ટન છે, જે આગામી ત્રણ વર્ષમાં મેન્યુફેકચરીંગ ક્ષમતા વધારીને વાર્ષિક ૫૦ લાખ મેટ્રિક ટન કરવાની મહત્વકાંક્ષી યોજના છે. બ્રાન્ડ ટર્નઓવર જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧૨,૦૨૭ કરોડનું રહ્યું છે, એ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૦૦૦ કરોડનું કરવાનું કંપનીનું લક્ષ્ય છે.
પેઈન્ટ ડિવિઝનનું ડિમર્જર : કંપનીએ સ્ટીલ અને પેઈન્ટ ડિવિઝનની સ્વતંત્ર વૃદ્વિની સારી તકો જોઈ મેનેજમેન્ટે પેઈન્ટ ડિવિઝનને ડિમર્જ કરવાને મંજૂરી આપી દઈ હવે અલગ કંપની બનાવશે. આ ડિમર્જર પ્રક્રિયા નાણાકીય વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં પૂરી થવાની શકયતા સાથે તેનું લિસ્ટિંગ કરીને કંપની તેના પેઈન્ટ બિઝનેસનું વેલ્યુ અનલોકિંગ કરશે. જૂન ૨૦૧૯ના અંતના ત્રિમાસિકમાં કંપનીની પેઈન્ટસ ફેકટરીમાં મોટી આગ લાગતા ફેકટરીમાં પડેલી ઈન્વેન્ટરી, પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટને રૂ.૪૫.૬૮ કરોડ જેટલું નુકશાન ગયું હતું. જે ઈન્વેન્ટરી, પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટ ઈન્સ્યોર્ડ હોવા સાથે કંપનીએ ઈન્સ્યોરન્સ કંપનીમાં રૂ.૪૫ કરોડનો વીમા દાવો માંડયો છે અને તેના દાવાના સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પેઈન્ટ પ્લાન્ટમાં આગ બાદ કંપનીએ પેઈન્ટસનું આઉટસોર્સિંગ શરૂ કર્યું હતું અને બિઝનેસ સામાન્ય ધોરણે ચાલુ કર્યો હતો. કંપનીની મેન્યુફેકચરીંગ ક્ષમતા આંશિક ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પ્લાન્ટમાં મેન્યુફેકચરીંગ પૂર્ણપણે ચાલુ થઈ જવાનો કંપનીને વિશ્વાસ છે. જેના પરિણામે કંપનીના પેઈન્ટ ડિવિઝનમાં જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯માં આવક ૧૬ ટકા ઓછી રૂ.૪૭ કરોડ અને પ્રથમ અર્ધવાર્ષિકમાં ૧૮ ટકા ઓછી રૂ.૮૬ કરોડની રહી હતી.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ અગ્રવાલપરિવાર હસ્તક ૬૫.૨૪ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડોમાં બીઓઆઈ અક્સા ટ્રસ્ટી સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ પાસે ૧.૧૦ ટકા, વ્યક્તિગત હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પૈકી મુકુલ અગ્રવાલ પાસે ૨.૦૨ ટકા, આશા મુકુલ અગ્રવાલ પાસે ૧.૭૮ ટકા, નિર્દોષ ગૌર પાસે ૧.૧૩ ટકા, સંગીતા એસ પાસે ૧.૧૧ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧૦.૫૯ ટકા, જટાલિયા ફાઈનાન્સ કંપની પાસે ૨.૩૧ ટકા, ઈન્ડો જટાલિયા હોલ્ડિંગ્સ પાસે ૧.૮૮ ટકા, મનીપ્લસ ફાઈનાન્શિયલ સર્વિસિજ પ્રાઈવેટ લિ. પાસે ૨.૬૫ ટકા, રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૧૧.૫૧ ટકા હોલ્ડિંગ છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૧૫ના રૂ.૪૨.૫૨, માર્ચ ૨૦૧૬ના રૂ.૪૫.૧૬, માર્ચ ૨૦૧૭ના રૂ.૪૯.૧૧, માર્ચ ૨૦૧૮ના રૂ.૫૪.૯૬, માર્ચ ૨૦૧૯ના રૂ.૬૮.૬૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૭૯.૧૧
નાણાકીય પરિણામ :
(૧) સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ : આવક રૂ.૧૧૮૭.૩૨ કરોડની તુલનાએ વધીને રૂ.૧૨૩૨.૩૯ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧.૮૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫.૬૭ કરોડની તુલનાએ વધીને રૂ.૨૨.૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૬.૭૦ થી વધીને રૂ.૮.૫૧ હાંસલ કરી છે.
(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : આવક રૂ.૩૩૨.૦૭ કરોડની તુલનાએ ઘટીને રૂ.૨૩૭.૯૮ કરોડ મેળવીને એનપીએમ૨.૭૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫.૨૦ કરોડની તુલનાએ વધીને રૂ.૬.૫૨ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક રૂ.૨.૧૩ થી વધીને રૂ.૨.૪૬ નોંધાવી છે.
(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : આવક રૂ.૭૩૧.૮૬ કરોડની તુલનાએ ઘટીને રૂ.૪૬૧.૦૭ કરોડ મેળવીને એનપીએમ ૨.૭૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧.૧૨ કરોડની તુલનાએ ૧૩ ટકા વધીને રૂ.૧૨.૬૧ કરોડ હાંસલ કરી અર્ધવાર્ષિક શેર દીઠ આવક રૂ.૪.૫૬ની તુલનાએ વધીને રૂ.૪.૭૫ નોંધાવી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ : અપેક્ષિત કુલ આવક રૂ.૯૭૧.૮૨ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૭.૭૬ કરોડ નોંધાવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક રૂ.૧૦.૫ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : BBB સ્ટીલ મીડિયમ અને સ્મોલ ઉદ્યોગના સરેરાશ૧૧ના પી/ઈ અને પેઈન્ટ બિઝનેસના સરેરાશ ૬૫ના પી/ઈ સામે કંપની સ્ટીલ અને પેઈન્ટસ બિઝનેસમાં પણ સક્રિય હોઈ અને કંપની પેઈન્ટ બિઝનેસનું ડીમર્જર કરી અલગ કંપની લિસ્ટ કરી વેલ્યુ અનલોકિંગ કરી રહી હોઈ કંપનીને ૨૨નો પી/ઈ મળવો જોઈએ જે મુજબ શેર રૂ.૨૩૦ને આંબી શકે, જે સામે ૩૫ ટકા વૃદ્વિ ગણીએ તો પણ શેર રૂ.૧૩૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB. જે કંપનીનો આ શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૦૦.૪૫ ભાવે અપેક્ષિત કમાણી સામે ૯.૫૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.