જાન્યુઆરી વલણના અંત, બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 42222 થી 41111 અને નિફટી 12444 થી 12044 વચ્ચે ફંગોળાશે
- શનિવારે 1,ફેબ્રુઆરીના કેન્દ્રિય બજેટના દિવસે શેર બજારો ચાલુ રહેશે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
વૈશ્વિક બજારોથી વિપરીત ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ભારતીય શેર બજારોમાં ફરી તેજી જોવાઈ છે. ચાઈનામાં ઘાતક વાઈરસે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ ઊભું કરતાં વૈશ્વિક બજારો ડામાડોળ બન્યા છે, પરંતુ ભારત માટે વૈશ્વિક વેપારમાં જાણે કે આ પરિબળ એડવાન્ટેજ બન્યું હોય એમ ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોની ફરી ઓલ રાઉન્ડ લેવાલી નીકળતી જોવાઈ છે. શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં અપેક્ષિત તેજીનો વ્યાપ જળવાયો છે. ચાઈના ફેકટરે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઘટીને બ્રેન્ટ ક્રુડના ૬૧ ડોલરની અંદર ઊતરી જતાં આ પરિબળ પણ એક પ્રકારે ભારત માટે પોઝિટીવ બન્યું છે. અલબત અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડવાના પરિબળે શેરોમાં વધ્યામથાળે તેજીના મોટા વેપારમાં સાવચેતી જોવાઈ છે. આ વૈશ્વિક પરિબળથી વિશેષ હવે બજારની નજર આગામી સપ્તાહમાં ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર મંડાઈ છે. આ વખતે બજેટમાં અનેક મોટા પ્રોત્સાહનોની અપેક્ષાએ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની લેવાલી વધતી જોવાઈ છે. જે આગામી સપ્તાહમાં પણ આરંભમાં જળવાઈ રહેવાની શકયતા સાથે ડેરિવેટીવ્ઝમાં હવે જાન્યુઆરી વલણનો અંત હોવાથી અને શનિવારે ૧,ફેબ્રુઆરીના કેન્દ્રિય બજેટના દિવસે પણ શેર બજારો ચાલુ રહેવાની હોવાથી આગામી સપ્તાહમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડી જોવાય એવી શકયતા છે.
૧,ફેબ્રુ.ના રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર નજર : સમજતા રવિવાર સાંજ થઈ જશે : ટ્રેડીંગ-ખરીદ-વેચાણના જોખમથી દૂર રહેજો
આગામી સપ્તાહ ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંતનું સપ્તાહ હોવા સાથે ૩૧,જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થનારા સંસદના બે તબક્કાના બજેટ સત્ર પર બજારની નજર રહેશે. સંસદનું આ બજેટ સત્ર બે તબક્કામાં પ્રથમ ૩૧,જાન્યુઆરી થી ૧૧,ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી અને બીજો તબક્કો ૨,માર્ચ થી ૩,એપ્રિલ ૨૦૨૦ સુધી યોજાશે, નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અગાઉ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરીને રોકાણને આકર્ષવા મોટું પગલું લેવાયા બાદ આ વખતે રોકાણકારોની અપેક્ષા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી), ડિવિડન્ડ ટેક્ષ નાબૂદી, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્ષ(એસટીટી)માં ઘટાડા પર રહી છે. આ સાથે નાણા પ્રધાન દ્વારા આ વખતે પર્સનલ ટેક્ષ રેટમાં ઘટાડાની પણ લોકોની મોટી અપેક્ષા છે. આ પૈકી પ્રોત્સાહનો-જોગવાઈઓ લાવવાના સંજોગોમાં ભારતીય શેર બજારો આગામી સપ્તાહમાં તેજીના નવા ઝોનમાં પ્રવેશી નવો ઈતિહાસ રચતાં જોવાશે.
જ્યારે અપેક્ષાથી વિપરીત અર્થતંત્રને ઊગારવા મર્યાદિત અવકાશને જોતાં અપેક્ષાઓ પૂર્ણ નહીં થવાના અને કોઈપણ વેલ્થ ટેક્ષ જેવી મોટી નેગેટીવ જોગવાઈ દાખલ થવાના સંજોગોમાં બજારમાં અસાધારણ આંચકાની શકયતા પણ નકારી ન શકાય. જેથી બજેટની જોગવાઈઓને વિગતે સમજતાં હરહંમેશની જેમ એક દિવસ એટલે કે આ વખતે રવિવાર સાંજ સુધીમાં વિસ્તૃત એનાલિસિસ સાથે વિગતે સમજતાં થઈ જવાની શકયતા હોઈ શેરોમાં ટ્રેડીંગ-ખરીદી-વેચાણના જોખમથી દૂર રહેવું સલાહભર્યું રહેશે. આ સાથે આગામી સપ્તાહ ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડીનું ફંગોળાતી ચાલનું બની રહેવાની પૂરી સંભાવના છે. આ સાથે આગામી સપ્તાહમાં હવે ડિસેમ્બર ૨૦૧૯ મહિના માટેના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપૂટના ૩૧,જાન્યુઆરી ૨૦૨૦ના રજૂ થનારા આંક પર અને ચાઈનાના ઘાતક વાઈરસના જોખમ પર અને અમેરિકામાં ફેડરલ રિઝર્વની ૨૮ થી ૨૯ જાન્યુઆરીના પોલીસી મીટિંગ પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોની નજર રહેશે.
મારૂતી સુઝુકી, ડો.રેડ્ડીઝ લેબ., એચડીએફસી લિ., હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેંક, ટેક મહિન્દ્રાના પરિણામ પર નજર
આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં સોમવારે ૨૭,જાન્યુઆરી ૨૦૨૦ના ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ અને એચડીએફસી લિમિટેડના રિઝલ્ટ, મંગળવારે ૨૮,જાન્યુઆરી ૨૦૨૦ના મારૂતી સુઝુકી ઈન્ડિયાના રિઝલ્ટ, શુક્રવારે ૩૧,જાન્યુઆરી ૨૦૨૦ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્રાના રિઝલ્ટ પર નજર રહેશે. શનિવારે ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના કેન્દ્રિય બજેટ રજૂ થવાના દિવસે શેર બજારો રાબેતા મુજબ ટ્રેડીંગ માટે ચાલુ રહેશે.
ડાર્ક હોર્સ : Revathi Equipment Ltd.
બીએસઈ(૫૦૫૩૬૮), એનએસઈ(REVATHI) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૭૭માં સ્થાપીત અને Renaissance Groupના ૭૩ ટકા પ્રમોટર હોલ્ડિંગની, ૈંર્જીં ૯૦૦૧થ૨૦૦૮ ભીિૌકૈીગ, વર્ષ ૧૯૮૭માં ૧:૧ બોનસ, વર્ષ ૧૯૯૭માં ૧:૧ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૮.૪૯ ટકા બોનસ ઈક્વિટી અને ૨૧.૫૧ ટકા ઓરિજનલ ઈક્વિટી ધરાવતી રેવતી ઈક્વિપમેન્ટ લિમિટેડ(Revathi Equipment Ltd.) માઈનીંગ, કન્સ્ટ્રકશન, વોટર વેલ, એક્સપ્લોરેશન વગેર વિવિધ એપ્લિકેશન્સ માટે બ્લાસ્ટ હોલ ડ્રીલ્સ અને વોટર વેલ ડ્રીલ્સના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય છે. કંપનીએ ચાર દાયકામાં પ્રોડક્ટ અને સર્વિસિઝની નિપૂણતા સાથે વિશ્વવ્યાપી ૧૦૦૦થી વધુ ડ્રીલિંગ રિગ્સનું મેન્યુફેકચરીંગ અને વેચાણ કર્યું છે. કંપની રોડ, ડેમ, ઈરીગેશન કેનાલ, ક્વેરીઈંગ વગેરે સહિત કન્સ્ટ્રકશન પ્રવૃતિ માટે જેકલેશ ડ્રીલ રિગ્સ ઓફર કરે છે.
કંપની કોઈમ્બતુર-તમિલનાડુમાં પોતાના મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. જ્યારે ડિલર-સ્ટોકિસ્ટોનું નેટવર્ક સિગરૂલુ, ધનબાદ, રાંચી, આસંનસોલ, નાગપુર, બિલાસપુર, સંબલપુરમાં અને બ્રાન્ચ હૈદરાબાદ, કોલકતામાં અને પ્રતિનિધિ ઓફિસ નવી દિલ્હી ખાતે ધરાવે છે. આ સાથે વૈશ્વિક નેટવર્કમાં કંપની જોર્ડન, ઈન્ડોનેશિયા, ઝામ્બિયા, સીઆઈએસ સહિતમાં ધરાવે છે. કંપની ડ્રીલિંગ સોલ્યુશન્સમાં કન્સ્ટ્રકશન અને માઈનીંગ એપ્લિકશન્સ, વોટર વેલ ડ્રીલ્સ (૧૦૦૦ મીટર ઉંડાણ સુધી અને એથી વધુ), હાઈડ્રો-ફ્રેકચરીંગ યુનિટો અને એક્સપ્લેટરી ડ્રીલ્સ(૧૩૦૦ મીટર ઉંડાણ સુધી)બ્લાસ્ટ હોલ ડ્રીલ્સ(રોટરી અને ડીટીએચ, ડિઝલ/ઈલેક્ટ્રિક સંચાલિત)નું કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન સાથે ગ્રાહકની ચોક્કસ જરૂરીયાત મુજબ મેન્યુફેકચરીંગ અને વેચાણ કરે છે. કંપનીની ડ્રીલિંગ રિગ્સનો ઉપયોગ કોલ, કોપર, ગોલ્ડ, આર્યન, ઝિંક, ફોસ્ફેટ, બોક્સાઈટ, લિગ્નાઈટ, લાઈમસ્ટોન વગેરે જેવી માઈન્સમાં મોટાપાયે ઉપયોગ થાય છે. જેની વિશ્વના ૬ ખંડોમાં નિકાસો કરાયેલી છે. રેવતી ઈક્વિપમેન્ટ દ્વારા વિશ્વવ્યાપી ગ્રાહકો માટે ચાર દાયકામાં ૧૦૦૦થી વધુ ડ્રીલિંગ રિગ્સનું મેન્યુફેકચરીંગ અને વેચાણ કરાયેલું છે. આ સાથે કંપની ગ્રાહકોને મેઈન્ટેનન્સ અને રીપેર કોન્ટ્રેકટ પણ ઓફર કરે છે.
કંપનીએ વિસ્તૃત રેન્જના ગ્રાહકોને સરકારી એકમો, એનજીઓ અને ખાનગી કોન્ટ્રેકટરો સહિતને ૫૦૦ મીટર ઉંડાણ સુધીની વોટર વેલ ડ્રીલિંગ રિગ્સ સપ્લાય કરેલી છે. કંપની વિશ્વની નામી ફોરમોસ્ટ-કેનેડાના સહયોગમાં ફ્રેકચર્ડ/અનકોન્સોલિડેટેડ ફોર્મેશન્સમાં ડ્રીલિંગ માટે ૧૨ થી ૪૦ની કાસ્ટિંગ ક્ષમતા સાથે ડયુઅલ રોટરી ડ્રીલ રિગ્સ ઓફર કરે છે. કંપનીએ વિશ્વની જાણીતી જીફકો-યુ.એસ.એ. સાથે સહયોગમાં હાર્ડ રોક, અનકોન્સોલિડેટેડ, એલ્યુવાયલ ફોર્મેશન્સ માટે ૧૦૦૦થી વધુ ઉંડાણ ક્ષમતા સાથે ટોપ-ડ્રાઈવ અને ટેબલ-ડ્રાઈવ ડ્રીલ રિગ્સ ઓફર કરવાની સક્ષમતા હાંસલ કરી છે. કંપની ભારતમાં ફોરમોસ્ટ અને જીફકો પ્રોડક્ટસ માટે સ્પેર્સ સાથે સપોર્ટ પૂરો પાડે છે.
કંપનીના ચેરમેને જણાવ્યું હતું કે કંપનીની કોન્સોલિડેટેડ નેટવર્થમાં નાણાકીય વર્ષ ૨૦૧૯ના અંતે રૂ.૧૦.૯ કરોડનો વધારો થયો છે. જેથી શેર દીઠ બુક વેલ્યુમાં ૭ ટકાનો વધારો થયો છે. વર્તમાન પ્રમોટરો દ્વારા કંપની હસ્તગત કરાઈ ત્યારથી ૧૭ વર્ષમાં શેર દીઠ બુક વેલ્યુ રૂ.૧૫૧ થી વધીને રૂ.૫૨૫ થઈ છે.
કંપની નાણાકીય વર્ષ ૨૦૧૯ના અંતે ઋણ-ડેટ ફ્રી થઈ છે. કંપની માટે બેલન્સશીટ પ્રથમ છે. કંપની હસ્તગત કરાયાના ટૂંક સમયમાં કંપનીની કાર્યકારી મૂડી મેનેજમેન્ટમાં સક્ષમતા વધારવા બિઝનેસમાં આંતરિક સ્ત્રોતોના ઉપયોગ પણ મત જાણીને સરપ્લસ કેશ સાથે ટ્રેઝરીના નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. કંપનીએ વિવિધ એસેટ્સમાં પબ્લિક માર્કેટ ઈક્વિટીઝ, પાવર એસેટ્સ વિન્ડ સહિત, ગુ્રપના સ્વવપરાશી ગેસ પાવર્ડ પ્રોજેકટ, સંયુક્તમાં રિયલ એસ્ટેટ પ્રોજેકટ ડેવલપમેન્ટ અને ઓપરેટીંગ બિઝનેસોમાં લઘુતમ અને મહત્તમ હોલ્ડિંગો હસ્તક કરવામાં રોકાણો કર્યા છે. કંપનીનું ટ્રેઝરી ઓપરેશન્સ અત્યારે રૂ.૨૮ કરોડનું છે, જેમાં રિયલ એસ્ટેટ પ્રોજેકટમાં રૂ.૧૭ કરોડનું રોકાણ ધરાવે છે. જેમાંથી કંપનીએ કરવેરા પૂર્વે રૂ.૨ કરોડનો વાર્ષિક નફો કર્યો છે. જેમાં રિયલ એસ્ટેટ રોકાણ પર અનરિયલાઈઝડ ગેઈન ગણતરીમાં લેવાયો નથી, જે ગણતરીમાં લેવાય તો આ લાભ બમણો રૂ.૪.૫ કરોડ જેટલો થાય છે.
કંપનીના પ્રમુખ ગ્રાહકોની યાદી :
અંબુજા સિમેન્ટ, કોલ ઈન્ડિયા, ડેકો, ઈએમટીએ ગુ્રપ ઓફ કંપનીઝ, જેયપી ગુ્રપ, નાલ્કો, ઓરિએન્ટ સિમેન્ટ, રાજશ્રી સિમેન્ટ, સેઈલ, એસસીસીએલ, ટાટા સ્ટીલ, વાશ્વદત્તા, ઝુઆરી સિમેન્ટ સહિતનો સમાવેશ છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૫માં રૂ.૩૮૩.૨૭, માર્ચ ૨૦૧૬માં રૂ.૪૫૯.૩૮, માર્ચ ૨૦૧૭માં રૂ.૫૦૬.૩૫, માર્ચ ૨૦૧૮માં રૂ.૪૮૭.૪૬, માર્ચ ૨૦૧૯માં રૂ.૫૧૭.૮૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૦માં રૂ.૫૫૭.૮૪
શેર હોલ્ડિંગ પેટર્ન :
રીનેઈસેન્સ ગુ્રપ પ્રમોટર હસ્તક ૭૨.૫૮ ટકા હોલ્ડિંગ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ પૈકી સુધીર ચુક્કપલ્લી પાસે ૧.૧૭ ટકા, દિપક કનૈયાલાલ શાહ પાસે ૧.૧૭ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૦૪ ટકા અને રૂ.૨ લાખ સુધી વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૨૧.૯૦ ટકા શેર હોલ્ડિંગ છે.
નાણાકીય પરિણામ :
(૧) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૧૯ થી જૂન ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૪૯.૦૩ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩૫.૦૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૪૦.૨ લાખની તુલનાએ વધીને રૂ.૯૭ લાખ નોંધાવી શેર દીઠ આવક રૂ.૩.૧૬ હાંસલ કરી હતી.
(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૩૫.૭૧ કરોડની તુલનાએ વધીને રૂ.૩૬.૧૮ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૯.૯ લાખની તુલનાએ વધીને રૂ.૧.૫૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક ૯૮ પૈસાથી વધીને રૂ.૫.૨૦ હાંસલ કરી છે.
(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૭૧.૨૦ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨.૫૬ કરોડ નોંધાવી અર્ધવાર્ષિક શેર દીઠ આવક રૂ.૮.૩૬ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૧૮.૯૬ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૧૨.૧૦ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક રૂ.૩૯.૪૧ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : BBB :
કોમ્પ્રેશર્સ ઉદ્યોગના સરેરાશ ૩૦.૭૮ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૧૬નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૬૩૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB
આમ (૧) Renaissance Groupના ૭૨.૫૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) બે બોનસ ઈશ્યુ વર્ષ ૧૯૮૭માં ૧:૧ બોનસ, વર્ષ ૧૯૯૭માં ૧:૧ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૮.૪૯ ટકા બોનસ ઈક્વિટી અને ૨૧.૫૧ ટકા ઓરિજનલ ઈક્વિટી ધરાવતી (૩) માઈનીંગ, કન્સ્ટ્રકશન, વોટર વેલ, એક્સપ્લોરેશન વગેર વિવિધ એપ્લિકેશન્સ માટે બ્લાસ્ટ હોલ ડ્રીલ્સ અને વોટર વેલ ડ્રીલ્સના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય (૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯માં શેર દીઠ આવક રૂ.૮.૩૬ હાંસલ કરનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૩૯.૪૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૫૭.૮૪ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૪૫૦ ભાવે માત્ર ૧૧.૪૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH૦૦૦૦૦૦૧૦૭)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB,BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.