ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સના ઉદયથી સમગ્ર ભારતમાં બે લાખ કિરાણા સ્ટોર બંધ થયા
- છેલ્લા બે-ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે કિરાણા સ્ટોર્સમાં ગ્રાહકોની મુલાકાત લગભગ અડધી થઈ ગઈ
નવી દિલ્હી : ભારતમાં ક્વિક કોમર્સના ઝડપી વિસ્તરણને કારણે છેલ્લા એક વર્ષમાં દેશમાં લગભગ ૨૦૦,૦૦૦ કિરાના સ્ટોર્સ બંધ થઈ ગયા છે, એમ ભારતના સૌથી મોટા રિટેલ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશન ઓલ ઈન્ડિયા કન્ઝયુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશને જણાવ્યું હતું.
ફેડરેશને ઉમેર્યું હતું કે આ તહેવારોની સિઝનમાં કિરાણા સ્ટોર્સનું વેચાણ સ્થિર રહ્યું છે. હાલમાં, ભારતમાં આશરે ૧૩ મિલિયન સ્ટોર્સ હોવાનો અંદાજ છે, જેમાંના ૧૦ મિલિયનથી વધુ ટાયર-૨ અને નાના શહેરોમાં છે.
તાજેતરના દિવસોમાં, ઘણી કન્ઝયુમર ગૂડ્ઝ કંપનીઓએ કહ્યું છે કેક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પર તેમના ઉત્પાદનોની માંગ ગ્રાહકોની પસંદગીઓ બદલાવાને કારણે વધી છે. કેટલીક ડાયરેક્ટ-ટુ-કસ્ટમર બ્રાન્ડ્સ ગયા વર્ષની સરખામણીમાં આ પ્લેટફોર્મ્સ પર ૨૫૦% જેટલું ઊંચું ઉત્સવનું વેચાણ જોઈ રહી છે. ઇન્ડસ્ટ્રી બોડીએ હાઇલાઇટ કર્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે કિરાણા સ્ટોર્સમાં ગ્રાહકોની મુલાકાત લગભગ અડધી થઈ ગઈ છે.
આ પ્લેટફોર્મ્સ, જે ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસ કરતાં ટૂંકા ગાળાના ગ્રાહક લાભને પ્રાધાન્ય આપે છે, તે સમગ્ર દેશમાં લગભગ ૨૦૦,૦૦૦ કિરાના સ્ટોર્સ બંધ કરવા માટે સીધી રીતે જવાબદાર છે.ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સની સૌથી વધુ અસર મેટ્રો શહેરોમાં જોવા મળી છે. કુલમાંથી ૯૦,૦૦૦ સ્ટોર એકલા શહેરોમાં જ બંધ કરવામાં આવ્યા છે.
હાલમાં, તમામ પ્લેટફોર્મ્સ મેટ્રો શહેરોમાં કામ કરે છે. ટાયર-૧ શહેરોમાં ૬૦,૦૦૦ જેટલા સ્ટોર્સ બંધ થયા છે, ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં વધારાના ૫૦,૦૦૦ સ્ટોર બંધ થયા છે.