રિઝર્વ બેન્ક રૂ. 10000 કરોડના બોન્ડસની ખરીદીની સાથોસાથ વેચાણ પણ કરશે
- ૧૦ વર્ષના બોન્ડસમાં ત્રણ મહિનાની નીચી સપાટીએથી સુધારો
મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર
ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ) મારફત રિઝર્વ બેન્ક ૨૩ ડીસેમ્બરના રોજ રૂપિયા ૧૦,૦૦૦ કરોડના બોન્ડસની ખરીદી કરશે અને સાથોસાથ આટલી જ રકમના બોન્ડસનું વેચાણ પણ કરશે. લાંબા ગાળાના બોન્ડસ પરની યીલ્ડ ઘટાડવાના ભાગરૂપ આ પગલું ભરાયું હોવાનું બજારના સુત્રો માની રહ્યા છે.
બોન્ડસના ખરીદ-વેચાણ સેકન્ડરી બજારમાં કરાશે. રિઝર્વ બેન્કના આ નિર્ણયને કારણે ૧૦ વર્ષના બોન્ડસમાં ત્રણ મહિનાની નીચી સપાટીએથી શુક્રવારે સુધારો જોવા મળ્યો હતો.
રિઝર્વ બેન્ક ૬.૪૫ ટકાના ૨૦૨૯ના પાકતી મુદતના બોન્ડસની ખરીદી કરશે અને આની સામે આવતા વર્ષે પાકી રહેલા રૂપિયા ૧૦૦૦૦ કરોડના બોન્ડસનું વેચાણ કરશે. આ જાહેરાત બાદ ૨૦૨૯ના પાકતી મુદતના બોન્ડસ પરની યીલ્ડ ૧૫ બેઝિસ પોઈન્ટ ઘટીને ૬.૬૦ ટકા રહી હતી. દેશમાં હાલમાં ઈન્વેસ્ટમેન્ટ તથા કન્ઝમ્પશન બન્ને નબળા છે ત્યારે નીતિવિષયકો ધિરાણ વધારી આર્થિક વિકાસને વેગ આપવા યોજના ધરાવે છે.