Get The App

હાલની પ્રવાહી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આજે રેપો રેટ જાળવી રાખશે તેવી ધારણા

- યુદ્ધને કારણે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરને રોકવાનો આરબીઆઈ સામે મોટો પડકાર

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
હાલની પ્રવાહી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આજે રેપો રેટ જાળવી  રાખશે  તેવી ધારણા 1 - image

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે  કમિટિ  આવતી કાલે  હાલની પ્રવાહી સ્થિતિમાં રેપો રેટ યથાવત રાખશે તેવો નિષ્ણાતોનો મત પ્રવર્તી રહ્યો છે. 

રૂપિયામાં નબળાઈ, ક્રુડ તેલના ઊંચા ભાવ ઉપરાંત વર્તમાન વર્ષનું ચોમાસુ સરેરાશ કરતા નીચું રહેવાના વરતારાને એમપીસી નાણાં નીતિની સમીક્ષામાં નજર સામે રાખશે. 

નબળા ચોમાસા તથા ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે ફુગાવો વધવાનું જોખમ રહેલું છે, પરંતુ પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે અર્થતંત્ર પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખી એમપીસી રેપો રેટ હાલના ૫.૨૫ ટકાના સ્તરે જાળવી રાખવાનું યોગ્ય માનશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ફુગાવો સતત ઊંચો જળવાઈ રહેવાના કિસ્સામાં વર્તમાન વર્ષના અંત ભાગમાં રેપો રેટમાં વધારો થવાની શકયતા નકારાતી નથી. દેશમાં હાલમાં મૂડીખર્ચ વધારવાની જરૂર છે. 

હાલમાં ફુગાવોે ચાર ટકાના ટાર્ગેટ રેટની નીચે છે, માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે એમ એચએસબીસી હોલ્ડિંગ્સની એક નોંધમાં જણાવાયું હતું. 

વ્યાજ દરમાં વધારો કરી અર્થતંત્રને નુકસાન પહોંચાડયા વગર ફુગાવાને કાબૂમાં રાખવાનો રિઝર્વ બેન્ક સામે પડકાર છે. મધ્ય પૂર્વનો સંઘર્ષ લાંબો ચાલતા મોટાભાગની રિસર્ચ પેઢીઓએ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. 

રૂપિયામાં નબળાઈને કારણે દેશની આયાત ખાસ કરીને ક્રુડની આયાત મોંઘી પડી રહી છે, જે છેવટે ફુગાવાને વધારશે ત્યારે આ હકીકતને ધ્યાનમાં રાખી હાલના તબક્કે રૂપિયાને વધુ ઘટતો અટકાવવો આવશ્યક છે એમ એસબીઆઈ ખાતેના સૌમ્ય કાંતિ ઘોષે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષના ચોમાસાંમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતા ૯૦ ટકા રહેવાના વરતારાને ધ્યાનમાં રાખતા ખરીફ પાકના ઉત્પાદન પર અસર થવાની શકયતા નકારાતી નથી. આવી સ્થિતિમાં અનાજના ભાવ વધી શકે છે.