રાતા સમુદ્રનો સંઘર્ષ: કંપનીઓના પરિણામો પર અસર
- કંપનીઓ સામે નૂર ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ, નિકાસ બજારનું સંકોચન, માર્જિન પર અસર જેવા પડકારો ઉદભવ્યા
નવી દિલ્હી : ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની અસર ભારતીય ઉદ્યોગોના બિઝનેસ પર પડવાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. તેની અસર હાલમાં તે કંપનીઓની કામગીરી પર દેખાઈ રહી છે જે તે પ્રદેશમાં કોમોડિટીઝ સપ્લાય કરે છે અથવા તો સંબંધિત વિદેશી બજારોમાં વેપાર કરે છે.
ઉદ્યોગોના સુત્રોએ જણાવ્યું હતું કે લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કંપનીઓ નૂર ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ, નિકાસ બજારમાં સંકોચન, માર્જિન પર અસર જેવા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીડી પાવર સિસ્ટમ્સ અને કેઈસી ઈન્ટરનેશનલ જેવી કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કેટલીક ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સએ જણાવ્યું હતું કે ઈઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે નૂર પુરવઠાને અસર થઈ છે. આના કારણે ડિસેમ્બર ૨૦૨૩માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૪૦૦ થી ૫૦૦ કરોડના માલસામાનનું વિલંબ થયું હતું અને તે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રાપ્ત થયું હતું.
ભારતીય કંપનીઓ યુરોપ, ઉત્તર અમેરિકા, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગો સાથે વેપાર કરવા માટે સુએઝ કેનાલ દ્વારા રાતા સમુદ્રના માર્ગનો ઉપયોગ કરે છે.
ક્રિસિલ રેટિંગ્સ ડેટા અનુસાર, આ ક્ષેત્રોનું યોગદાન નાણાકીય વર્ષ ૨૦૨૩ માં ભારતની કુલ રૂ. ૧.૮ લાખ કરોડની નિકાસમાં ૫૦ ટકા અને રૂ. ૧.૭ લાખ કરોડની કુલ આયાતમાં ૩૦ ટકા હતું.
કંપનીઓના શિપિંગ ખર્ચ અને સમય અચાનક વધી ગયા છે, પરંતુ તે બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે કંપનીને ટૂંકા ડિલિવરી ચક્ર પર કામ કરવાની ફરજ પાડે છે. આ તમામ કારણોને લીધે માર્જિન રિકવરીની સમયમર્યાદા વધી છે.
રાતા સમુદ્રના સંઘર્ષને કારણે અસર માત્ર એન્જિનિયરિંગ નિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખાદ્યપદાર્થો અને વસ્ત્રોની નિકાસ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. બ્રિટન મોકલવામાં આવેલા કન્ટેનરની કિંમત હાલમાં ૪,૦૦૦ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે ડિસેમ્બરમાં ૬૦૦ ડોલર હતી.
રાતા સમુદ્રમાં સંકટના કારણે વીમા ખર્ચમાં વધારો થયો છે અને વૈકલ્પિક માર્ગો અને ક્ષમતા અવરોધો દ્વારા ડિલિવરીમાં વિલંબ થયો છે. અન્ય નિકાસ સંબંધિત કાચો માલ કાં તો મોંઘો થયો છે અથવા તો મોંઘો થવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ કાચા માલની કિંમતમાં વધારો થયો છે. જો સંઘર્ષનો વ્યાપ વધશે તો પોલિમરના ભાવમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે.