જીડીપીના આંકડા નીચા આવતા રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાનું લગભગ નિશ્ચિત
- અત્યારસુાૃધી ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે
મુંબઈ, તા.02 ડિસેમ્બર 2019, સોમવાર
દેશનો સપ્ટેમ્બર ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૪.૫૦ ટકા સાથે ૬ વર્ષની નીચી સપાટીએ રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મનીટરિ પોલિસી કમિટિ (એમપીસી)ની પાંચમી ડીસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં કપાત હવે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યો છે.
હાલમાં રેપો રેટ જે ૫.૧૫ ટકા છે તેમાં ૧૫ બેઝિસ પોઈન્ટ અથવા ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે. જો કે આર્થિક વિકાસ દરનો આંક ભલે નીચે ગયો હોય પરંતુ શાકભાજીના ભાવ ઊંચે જતા ફુગાવો વધ્યો છે જેને રિઝર્વ બેન્કે અવગણી શકશે નહીં. ફુગાવો વધીને પાંચ ટકાને પાર જવાની શકયતા છે.
પોલિસી રેટ પાંચ ટકા અથવા તો તેનાથી નીચે રખાશે તો તેવા કિસ્સામાં ફુગાવા કરતા વ્યાજ દર નીચો રહેશે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં રેપો રેટ ૧૩૫ બેઝિસ પોઈન્ટ ઘટાડીને ૬.૫૦ ટકા પરથી ૫.૧૫ ટકા લવાયો છે.
ફુગાવાના દર ટાર્ગેટ દરની અંદર રહેતા વિકાસ માટે રેપો રેટમાં ઘટાડો આવશ્યક બની ગયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ અવારનવાર જણાવતા રહ્યા છે.
રેપો રેટમાં ઘટાડો છતાં કંપનીઓ દ્વારા બોરોંઈગમાં વધારો જોવાતો નથી. અર્થતંત્રમાં મંદ માગને કારણે ઉદ્યોગો હાલમાં નવા ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહ્યા કરે છે. રિઝર્વ બેન્કની મનીટરિ પોલિસી કમિટિની ૩થી ૫ ડીસેમ્બર દરમિયાન મળી રહેલી બેઠક પહેલા જ ક્રિસિલે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડીને ૫.૧૦ ટકા મૂકયો છે જે અગાઉ ૬.૩૦ ટકા મૂકયો હતો.
મહત્વના મુખ્ય નિર્દેશાંકો જેમ કે, ઔદ્યોગિક ઉત્પાદન, મરચંડાઈઝ એકસપોર્ટસ, બેન્ક ધિરાણ ઉપાડ, વેરાની વસૂલી, માલની હેરફેર તથા વીજ ઉત્પાદનમાં ઘટાડો આર્થિક વૃદ્ધિ મંદ પડી રહ્યાના સંકેત આપે છે, એમ ક્રિસિલના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. આ નિર્દેશાંકોને જોતા પણ રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાની પૂરી શકયતા દર્શાવે છે એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.