Get The App

સોનામાં બોલેલા કડાકાથી ગોલ્ડ લોન કંપનીઓની ચિંતામાં મોટો વધારો થયો

- મે માસના અંતે ગોલ્ડ લોનનો કુલ આંક રૂપિયા ૧.૨૦ લાખ કરોડ જેટલો હતો

Updated: Jul 26th, 2024

GS TEAM

Google News
Google News
સોનામાં બોલેલા કડાકાથી ગોલ્ડ લોન કંપનીઓની ચિંતામાં મોટો વધારો થયો 1 - image


મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના બજેટમાં સોનાચાંદી પરની ઈમ્પોર્ટ ડયૂટીમાં મોટો ઘટાડો કરવાને પરિણામે બન્ને કિંમતી ધાતુના ભાવમાં છેલ્લા બે દિવસમાં જોરદાર કડાકો બોલાઈ ગયો છે જેને પરિણામે ગોલ્ડ લોન કંપનીઓ ચિંતામાં મુકાઈ ગયાનું બજારના વર્તુળોએ જણાવ્યું છે. ઊંચા  ભાવની ગોલ્ડ લોન્સ મોટી સંખ્યામાં ડિફોલ્ટ થવાની પણ શકયતા નકારાતી નથી.

સોના પરની ઈમ્પોર્ટ ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી બજેટમાં છ ટકા કરવામાં આવી છે જેને કારણે છેલ્લા બે દિવસમાં સોનાના દસ ગ્રામ દીઠ ભાવમાં રૂપિયા ૫૦૦૦થી વધુ ઘટી ગયા છે જ્યારે ચાંદીમાં કિલો દીઠ રૂપિયા ૭૦૦૦નો ઘટાડો થયો છે. 

રિઝર્વ બેન્કના ધોરણ પ્રમાણે ગોલ્ડ લોન કંપનીઓ સોનાની કિંમતના  ૭૫ ટકા લોન્સ પૂરી પાડી શકે છે. ગયા વર્ષના નવેમ્બરમાં અનસિકયોર્ડ લોન્સ સામે રિઝર્વ બેન્કે નિયમનકારી પગલાં સખત બનાવતા અને સોનાના ભાવ ઘરઆંગણે ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચતા તાજેતરના સમયમાં સોના સામે લોન્સની માત્રામાં વધારો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્તમાન વર્ષના મેના અંતે ગોલ્ડ લોન્સનો કુલ આંક રૂપિયા ૧.૨૦ લાખ કરોડ જેટલો હતો જે ગયા વર્ષના મેના અંતે રૂપિયા ૯૯૦૩૬ કરોડ રહ્યો હતો. 

બજેટ બાદ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૫૦૦૦ ઘટી ગયા છે અને વિશ્વબજારમાં સોનાના ભાવમાં કોઈપણ ઘટાડાથી ઘરઆંગણે સોનાના ભાવમાં વધુ ઘટાડો નકારી શકાય એમ નહીં હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. 

ઊંચા ભાવે  સોનું ગીરવે મૂકી ગયેલા લોનધારકો  ભાવમાં  હાલના  સ્તરેથી વધુ ઘટાડાની સ્થિતિમાંલોન્સમાં ડીફોલ્ટ જવાની શકયતા  ઊભી થઈ શકે છે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. સોનાના ભાવમાં ઘટાડાને કારણે ગોલ્ડ બોન્ડમાં નાણાં રોકનારાને ઓછું વળતર છૂટવાની શકયતા ઊભી થઈ હોવાનું એક વિશ્લેષકે ઉમેર્યું હતું. 

Tags :