દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ ૫ાંચથી આઠ ટકા વધશે
- પેટ્રોલ-ડીઝલ બાદ આગામી સમયમાં
- ક્રૂડ ઓઇલની તેજીની એફએમસીજી કંપનીઓ ઉપર સીધી પ્રતિકુળ અસર
- ઇંધણ મોંઘુ થતા ટ્રક ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ પાંચ ટકા વધી ગયો : કંપનીઓના પેકેજીંગ ખર્ચ પણ વધશે
નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2018, શુક્રવાર
સરકારે ડીઝલ તથા પેટ્રોલના ભાવ વધાર્યા પછી રોજીંદી જરૂરીયાતની વસ્તુના ભાવ પણ વધારી દીધા છે. રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતી બિસ્કિટ જેવી વસ્તુઓના ભાવમાં ત્રીજા કવાર્ટરથી ૫ થી ૮ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી મોટી કંપનીઓએ પહેલાથી જ ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ભાવા વધારાનુ કારણ મોંધવારી જણાવ્યુ છે.
ટ્રક એસોસિએશનમાં કાર્યરત એક વ્યક્તિએ જણાવ્યુ હતુ કે મોંધવારી વધી રહી છે એવામાં પ્રોડક્ટના ભાવ પહેલાની સરખામણીએ રાખવા સંભવ નથી. અમે ભાવમાં ૫ ટકાના વધારાની સાથે તેની શરૂઆત કરી રહ્યા છીએ. અમે તેની સાથે વેલ્યુ અને વોલ્યુમ ગ્રોથનુ સંતુલન બનાવવાનો પ્રયત્ન કરીશુ. ઘણી કંપનીઓ માટે છેલ્લા બે વર્ષમાં આ સૌથી મોટો વધારો હશે.
ગ્લોબલ લેવલ પર ક્રૂડના ભાવ વધવાની સાથે પેટ્રોલનો ભાવ આ સમયે રૂ.૮૫ પ્રતિ લિટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે, જેની અસર એફએમસીજી કંપનીઓ પર સીધી પડે છે. અમુક સાબુની બ્રાન્ડે પણ ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો કર્યો છે. હેર ઓઈલ સેક્શનમાં પણ ભાવમાં ૭ ટકાનો વધારો થયો છે જ્યારે ઓરલ કેર ફર્મ કોલગેટ પામોલિવે કેટલીક બ્રાન્ડસના ભાવ ગત મહિને ૪ ટકા સુધી વધાર્યા હતા. માર્કેટ એનાલિસ્ટોનુ કહેવુ છે કે રૂપિયો નબળો પડતા મોટાભાગની કંપનીઓનો પેકેજીંગ ખર્ચ પણ વધશે. બોટલ્સ અને ટયુબ બન્ને પ્રકારના પેકેજિંગ મટિરિયલમાં પેટ્રોલિયમ ડેરિવેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ફૂડ પ્રોડક્ટસના પેકેજિંગમાં પામ ઓઈલ બાયોપ્રોડક્ટસનો પણ ઉપયોગ થાય છે પરંતુ તેના પર પણ ઈમ્પોર્ટ ડયુટી વધતા કંપનીના ખર્ચ પર પડી છે.