મુંબઈ : વર્તમાન એટલે કે નાણાં વર્ષ ૨૦૨૬ સમાપ્ત થવાને હવે એક સપ્તાહનું છેટુ છે ત્યારે ડિજિટલ પેમેન્ટસ પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત વ્યવહારની સંખ્યા ગયા નાણાં વર્ષની સરખામણીએ ૩૦ ટકા જેટલી ઊંચી રહીને ૨૪૦ અબજ સુધી પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં આ આંક ૧૮૫ અબજ રહ્યો હતો.
યુપીઆઈનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના જણાવ્યા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૪માં યુપીઆઈ મારફત ૧૩૧ અબજ વ્યવહાર પાર પડયા હતા.
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સરેરાશ દૈનિક સંખ્યા ૬૫.૭૦ કરોડ રહી છે જે ગયા નાણાં વર્ષમાં ૫૦.૬૦ કરોડ રહી હતા.
વર્તમાન નાણાં વર્ષમાં ડિસેમ્બર સુધીમાં યુપીઆઈ મારફત એકંદરે રૂપિયા ૨૩૦ લાખ કરોડના વ્યવહાર પાર પડયા છે એમ સરકાર વતિ અગાઉ જણાવાયું હતું.
વર્તમાન માર્ચમાં યુપીઆઈ પર દૈનિક વ્યવહારની સંખ્યા પહેલી જ વખત ૮૦ કરોડને પાર જોવા મળી છે. આ અગાઉ ગયા વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વ્યવહારની સંખ્યા પહેલી જ વખત ૭૦ કરોડને પાર ગઈ હતી.
યુપીઆઈ મારફત હાલમાં વ્યવહારની સંખ્યા જે ગતિએ આગળ વધી રહી છે તેને જોતા દૈનિક ૧૦૦ કરોડનો સરકાર તથા એનપીસીઆઈનો ટાર્ગેટ આગામી નાણાં વર્ષમાં સિદ્ધ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


