Business

ઈરાન યુદ્ધને કારણે દેશમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર ગંભીર અસર

By GS Team
25 Mar 20262 mins read
ઈરાન યુદ્ધને કારણે દેશમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર ગંભીર અસર

મુંબઈ : ઈરાન યુદ્ધને કારણે દેશમાં વર્તમાન મહિનામાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પર ગંભીર અસર પડી હોવાનું ભારત માટેના એચએસબીસીના માર્ચના પ્રારંભિક પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) પરથી જણાય છે.

માર્ચનો   ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે મંદ માગ તથા ખર્ચના દબાણને પરિણામે આર્થિક પ્રવૃત્તિ પર અસર પડી છે.  ફેબુ્રઆરીમાં સંયુકત પીએમઆઈ જે  ૫૮.૯૦ હતો તે માર્ચમાં ઘટી ૫૬.૫૦ જોવાઈ રહ્યો છે. 

ઉત્પાદન ક્ષેત્રનો ફેબુ્રઆરીનો ફાઈનલ પીએમઆઈ જે ૫૬.૯૦ રહ્યો હતો તે માર્ચમાં પ્રારંભિક અંદાજમાં ઘટી ૫૩.૮૦ જોવા મળ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૧૦ પરથી ઘટી ૫૭.૨૦  જોવાઈ રહ્યો હોવાનું એચએસબીસીના સર્વ રિપોર્ટમાં જણાવાયું છે.

ઊર્જા આંચકાને કારણે ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર પડી છે એટલું જ નહીં મંદ માગને પરિણામે નવા ઓર્ડરો ઘટી ગયા છે. ઘરઆંગણે નવા ઓર્ડરો ત્રણ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ વધ્યા છે. જો કે નિકાસ મોરચે સ્થિતિ આશાસ્પદ જણાઈ રહી છે.કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે જેને માર્જિન ઓછું રાખીને ગ્રહણ કરવાનો કંપનીઓએ વ્યૂહ અપનાવ્યો છે. 

ઘરઆંગણે માગમાં નબળાઈ, બજારમાં અસ્થિરતા તથા ફુગાવાજન્ય દબાણને કારણે કામકાજ પર અસર પડી હોવાનું કંપનીઓ જણાવી રહી છે, એમ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ઘરઆંગણે ઓર્ડરની ગતિ ધીમી રહી છે, પરંતુ એશિયા, યુરોપ, પશ્ચિમ એશિયા અને અમેરિકા ખાતેથી નિકાસ ઓર્ડરોમાં વધારો અત્યારસુધીની ટોચે જોવા મળી રહ્યા છે. 

ઊર્જા, મેટલ્સ, ખાધ્ય પદાર્થો તથા કેમિકલ્સના ઊંચા ભાવને પરિણામે કાચા માલની કિંમતમાં ચાર વર્ષનો ઝડપી વધારો જોવા મળ્યો છે. 

ઘરઆંગણે મંદી છતાં કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીની માત્રા વર્તમાન મહિનામાં ઓગસ્ટ બાદ સૌથી ઊંચી રહી છે. વેપારમાં આશાવાદ તથા ભાવિ ઓર્ડર સંખ્યાને ધ્યાનમાં રાખી કંપનીઓ દ્વારા ભરતી ચાલુ રાખવામાં આવી છે.આગામી ૧૨ મહિનામાં ઉત્પાદનમાં વધારો થવાનો કંપનીઓમાં આશાવાદ જળવાઈ રહ્યો છે.