મુંબઇ : બેન્કોમાં દાવા વગરની પડી રહેલી થાપણો માટે દાવા કરવા થાપણદારોને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલી ઝૂંબેશને કારણે ડિસેમ્બરમાં રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુની નિષ્ક્રીય થાપણોનું પેઆઉટ શકય બન્યું હતું. જે અગાઉ રૂપિયા ૧૦૦-૨૦૦ કરોડ જેટલું રહેતું હતું.
એક અંદાજ પ્રમાણ વ્યાજ સહિત દાવા વગરની એકંદર રૂપિયા ૮૫૦૦૦ કરોડની થાપણ દેશની બેન્કો પાસે પડી છે.
ગયા વર્ષના ઓકટોબરથી દર મહિને દાવા વગરની પડી રહેલી થાપણ માટેના દાવામાં વધારો થઈ રહ્યો છે. ઓકટોબરમાં રૂપિયા ૭૫૯ કરોડની થાપણ માટે દાવા કરાયા હતા જે નવેમ્બરમાં વધી રૂપિયા ૮૦૨ કરોડ અને ડિસેમ્બરમાં રૂપિયા ૧૦૪૩ કરોડ રહ્યો હતો.
નિષ્ક્રિય હાલતમાં પડેલી થાપણો માટે તેના હકદારો આગળ આવે તે માટે રિઝર્વ બેન્ક દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝૂંબેશ પૂર્વે દર મહિને અંદાજે રૂપિયા ૧૦૦થી ૨૦૦ કરોડની થાપણો માટે દાવા કરાતા હતા એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
જાન્યુઆરી માટેના આંક હજુ આવવાના બાકી છે.
બેન્ક થાપણો, વીમાની પાકેલી રકમ, ડિવિડન્ડસ તથા પેન્શન સહિતની દાવા વગરની નાણાંકીય એસેટસ તેના ખરા કાનૂની વારસદારને મળી રહે તે માટે ગયા વર્ષમાં સરકારે દેશભરમાં ખાસ ઝૂંબેશ શરૂ કરી હતી.


