તાંબા પર 50% ટેરિફના અમલથી અમેરિકાને જ વધુ નુકસાન થશે
- ભારતે ૨૦૨૪-૨૫માં અમેરિકાને ૩૬૦ મિલિયન ડોલરના કોપર ઉત્પાદનોની નિકાસ કરી હતી
નવી હિલ્હી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ઓગસ્ટથી તાંબાની આયાત પર ૫૦ ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ૧૯૬૨ના વેપાર વિસ્તરણ કાયદાની કલમ ૨૩૨ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ વિદેશી તાંબા પર નિર્ભરતા ઘટાડવાનો છે. અમેરિકાનો દાવો છે કે વિદેશી તાંબા તેના ઘણા ક્ષેત્રો જેમ કે સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને માળખાગત સુવિધાઓ માટે ખતરો છે.
ભારતે ૨૦૨૪-૨૫માં અમેરિકાને ૩૬૦ મિલિયન ડોલરના કોપર ઉત્પાદનોની નિકાસ કરી હતી. તેમાં પ્લેટ્સ, ટયુબ અને કેટલીક અર્ધ-તૈયાર ઉત્પાદનોનો સમાવેશ થતો હતો. હવે આ વસ્તુઓ વધુ મોંઘી થશે. બધા દેશો પર એકસાથે ટેરિફ લાદવામાં આવ્યા હોવાથી અને જાપાન અને યુરોપિયન યુનિયન જેવા યુએસ ભાગીદાર દેશો પણ તેના દાયરામાં હોવાથી, વિશ્વભરના દેશોને સમાન રીતે અસર થશે.
થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે જણાવ્યું હતું કે, આ નીતિથી યુએસ ઉદ્યોગને તે દેશો કરતાં વધુ નુકસાન થઈ શકે છે. ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ, સેમિકન્ડક્ટર અને સંરક્ષણ ક્ષેત્રના ઇલેક્ટ્રોનિક્સ માટે કોપર મૂળભૂત કાચો માલ છે. જો કાચા માલની કિંમત ૫૦ ટકા વધે છે, તો આ ક્ષેત્રો પ્રભાવિત થશે, ઉત્પાદન ધીમું થશે, કિંમતો વધશે અને સ્વચ્છ ઊર્જા અપનાવવાના યુએસ પ્રયાસોને પણ ફટકો પડશે.
ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળથી જ રાષ્ટ્રીય સુરક્ષાના નામે વેપાર વિસ્તરણ કાયદાની કલમ ૨૩૨ હેઠળ ઉચ્ચ ક્ષેત્રીય ડયુટી લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૨૦૧૮માં, ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ડયુટી લાદી હતી.