Get The App

યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ

- ભારતના મરીમસાલા માટે અમેરિકા એક મોટું નિકાસ મથક

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ 1 - image

મુંબઈ : મસાલાની મોસમની સાથોસાથ ઈરાન યુદ્ધ ફાટી નીકળતા ભારત ખાતેથી અમેરિકામાં મસાલાની નિકાસ વર્તમાન વર્ષે નબળી રહેવાની શકયતા જોવાઈ રહી છે. એપ્રિલ-મે ભારતમાં મસાલાની વ્યસ્ત મોસમ તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન નવા મસાલા બજારમાં આવતા હોય છે. 

ભારતના મસાલાના નિકાસકારોનો સંપર્ક સાધવાનું અમેરિકાના નિકાસકારોએ હાલમાં મોકૂફ રાખ્યું હોવાનું મસાલા બજારના સુત્રો જણાવી રહ્યા છે. અમેરિકા ખાતે ભારતની મસાલાની વાર્ષિક નિકાસ ૫૦ કરોડ ડોલર જેટલી છે.

ભારતના મસાલા માટે અમેરિકા એક મોટુ નિકાસ મથક છે. યુદ્ધ લાંબુ ચાલશે તો દેશમાં મસાલાનો ભરાવો થશે જેને પરિણામે ઘરઆંગણે ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે, જે છેવટે ખેડૂતોની આવક પર અસર કરશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના  ખરીદદારો તરફથી કોઈ જ પૂછપરછ આવતી નહીં હોવાનું સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. નૂર ખર્ચમાં વધારા, વેપાર માર્ગ પર ખલેલ તથા યુદ્ધને કારણે બજારની અનિશ્ચિતતાને પગલે ખરીદદારો હાલમાં  થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. 

યુદ્ધ શરૂ થવા પહેલા અપાયેલા ગયેલા ઓર્ડરો પણ રવાના થઈ શકયા નથી અને જે કંઈ રવાના થયા છે તેને પહોંચવામાં ઢીલ થઈ રહી છે, કારણ કે શિપિંગ કંપનીઓએ જહાજોના માર્ગ બદલવાની ફરજ પડી છે.

ભારત ખાતેથી અમેરિકામાં નિકાસ થતા મસાલામાં મુખ્યત્વે કરી પાવડર, મરચાં, મરી, હળદર તથા એલચીનો સમાવેશ થાય છે. 

નાણાં વર્ષ ૨૦૨૫માં મસાલાનો વાવણી વિસ્તાર ૫૦.૯૦ લાખ હેકટર રહ્યો હતો અને ઉત્પાદન ૪ ટકા વધી ૧.૩૦ કરોડ ટન રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૬માં ઉત્પાદન ઘટી ૧.૨૮ કરોડ ટન રહેવા ધારણાં છે.