Get The App

ચાલુ નાણાં વર્ષમાં સરકારને રિઝર્વ બેન્ક પાસેથી રૂ. બે લાખ કરોડ ડિવિડન્ડ મળશે

- રાજકોષિય ખાધને નિયંત્રણમાં રાખવા આરબીઆઈનું ડિવિડન્ડ સરકાર માટે રાહતરૂપ

Updated: Jan 24th, 2025

GS TEAM


Google News
Google News
ચાલુ નાણાં વર્ષમાં સરકારને રિઝર્વ બેન્ક પાસેથી રૂ. બે લાખ કરોડ ડિવિડન્ડ મળશે 1 - image


મુંબઈ : સમાપ્ત થનારા વર્તમાન નાણાં વર્ષ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પાસેથી સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા બે લાખ કરોડ મળી રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. ગયા નાણાં વર્ષ પેટે રિઝર્વ બેન્કે સરકારને રૂપિયા ૨.૧૧  લાખ કરોડ વિક્રમી ચૂકવણી કરી હતી. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ આ આંક ૧૪૦ ટકા વધુ હતો. 

ઈન્વેસ્ટન્ટમેન્ટ મારફત થતી આવકમાંથી વધારાની આવક ઉપરાંત ડોલર હોલ્ડિંગ્સના મૂલ્યાંકનમાં થતા વધારા ઉપરાંત કરન્સીની છપાઈ મારફત મળતી ફીનીરકમમાંથી બચતા નાણાંનો કેટલોક હિસ્સો રિઝર્વ બેન્ક સરકારને ટ્રાન્સફર કરે છે. રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

જાલન સમિતિની ભલામણ  પ્રમાણે આકસ્મિક સમયની આવશ્યકતાને પહોંચી વળવા રિઝર્વ બેન્કે તેની બેલેન્સશીટસના ૫.૫૦થી ૬.૫૦ ટકા રકમ જાળવી રાખવાની રહે છે. સિક્યુરિટીઝના ઘસારા અથવા વિનિમય દરની નીતિને લગતા જોખમો વગેરેને કારણે ઊભી થતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ રકમ જાળવી રાખવાની રહે છે. 

મંદ ઉપભોગ માગ વચ્ચે વેરા મારફતની આવકમાં શકય ઘટાડાને ધ્યાનમાં રાખતા આ શકય ડિવિડન્ડ સરકાર માટે ટેકારૂપ બની રહેશે. વર્તમાન નાણાં વર્ષમાં સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં અપેક્ષા પ્રમાણે આગળ વધી શકી નથી. લોકસભાની ચૂંટણીને કારણે એસેટસના વેચાણની ગતિ ધીમી રહી છે.

રિઝર્વ બેન્ક પાસેથી ઊંચી રકમને કારણે   સરકારને  રાજકોષિય ખાધ સીમિત રાખવા ટેકારૂપ બની રહેશે એટલું જ નહીં મૂડીખર્ચ માટે વધુ રકમ પ્રાપ્ત રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા સામે ડોલરના ઊંચા ભાવ પણ રિઝર્વ બેન્ક માટે નફાકારક બની રહ્યા છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કે ઊંચા ભાવે ડોલરનું વેચાણ કર્યું છે.  

ગયા વર્ષના સપ્ટેમ્બરમાં દેશના ફોરેકસ રિઝર્વનો આંક ૭૦૫ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. વર્તમાન નાણાં વર્ષમાં ફોરેકસ વ્યવહાર મારફત રિઝર્વ બેન્કને રૂપિયા ૧.૮૫ ટ્રિલિયનની આવક થવાનો પણ અંદાજ મૂકવાંમાં આવ્યો છે. 

Tags :