સરકાર પાવર સેક્ટરની સંપત્તિઓ વેચી રૂ. 70,000 કરોડ ઉભા કરશે
- આ સંપત્તિઓના વેચાણથી પ્રાપ્ત ભંડોળમાંથી ૫૦ ટકા રકમનો ઉપયોગ રાજ્યોના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે થશે
નવી દિલ્હી : કેન્દ્રમાં સત્તામાં રહેલી મોદી સરકાર બેન્કો અને એલઆઇસીના ખાનગીકરણ બાદ હવે પાવર સેક્ટરની જાહેર કંપનીઓની સંપત્તિ વેચવાની યોજના ઘડી રહી છે. કેન્દ્ર સરકાર પાવર સેક્ટરની એસેટ મોનેટાઇઝેશન સ્કીમ સાથે આગળ વધવાની તૈયારી કરી રહી છે.
જેમાં આગામી પાંચ વર્ષમાં પાવર ગ્રીડ, એનટીપીસી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઇસી) જેવી સરકારી માલિકીની સંપત્તિઓ વેચીને ૭૦,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના તૈયાર કરી રહી છે.
ઉપરાંત આ સંપત્તિનું વેચાણ કરીને પ્રાપ્ત થયેલ ભંડોળમાંથી ૫૦ ટકા રકમનો ઉપયોગ રાજ્યોના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ખર્ચાય તેવી અપેક્ષા છે.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે, ઇન્ટ્રા-સ્ટેટ સ્ટેટ પાવર ટ્રાન્સમિશન, સબ-ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કમાં મોટાભાગે મૂડીરોકાણ ઓછું હોય છે અને જેનાથી મોટા પ્રમાણમાં ટેકનિકલ લોસ અને પાવર-કટ થાય છે.
પ્રસ્તાવિત મૂડીરોકાણ ભારતમાં વીજ વિતરણ સેક્ટરને બેઠું કરવા માટેની ૩.૦૩ લાખ કરોડ રૂપિયાના પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની રિફોર્મ્સ સ્કીમથી વધારે છે. ચાલુ વર્ષે જૂનમાં કેન્દ્રીય મંત્રીમંડળે ૩.૦૩ લાખ કરોડ રૂપિયાની રિયલ્ટ-લિંકડ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમને મંજૂરી આપી હતી, જે હેઠળ સ્ટેટ પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓને દર પ્રત્યેક વર્ષે ગ્રાન્ટ ત્યારે જ મળશે જ્યારે તેઓ પાછલા નાણાંકીય વર્ષના નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચશે.
જો રાજ્ય સ્તરે ટ્રાન્સમિશન નુકસાન સરેરાશ ૩ ટકા છે, તો ૩૩ કિલોવોટના દરે નુકસાન ૯થી ૧૦ ટકા જેટલુ ઉંચુ હશે. રાજ્યો દ્વારા ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના નિર્માણ, મજબૂતીકરણ અને અપગ્રેડ પર કોઈ ભાર મૂક્યો નથી. જો આપણે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં રોકાણ ન કરીએ તો જનરેશન અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમમાં કરવામાં આવતા તમામ રોકાણો બરબાદ થઈ જશે.
જેનું તાજેતરનું ઉદાહરણ પંજાબમાં સર્જાયેલી વીજ કટોકટી છે.' સરકારના પ્રસ્તાવ મુજબ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનટીપીસી લિમિટેડ (નેશનલ થર્મલ પાવર સ્ટેશન) અને આરઇસી લિમિટેડ તેમના કાર્યરત પ્રોજેક્ટનું વેચાણ કરીને ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલુ ભંડોળ એક્ત્ર કરશે.