Get The App

2020-21માં જીડીપી દર 6થી 6.5 ટકા રહેશે

- ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાનો અંદાજ એપ્રિલ-નવે., 2019માં જીએસટી કલેકશનમાં 4.1 ટકાની વૃદ્ધિ

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
2020-21માં જીડીપી દર 6થી 6.5 ટકા રહેશે 1 - image


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનો બીજુ સામાન્ય બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે વૃદ્ધિ દરમાં ચાલી રહેલી મંદીનો સમય હવે સમાપ્ત થઇ ગયો છે અને નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વધીને 6.00 થી 6.50 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી પાંચ ટકા રહેવાનો અંદાજ છે. 

નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યુ હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે જીડીપીના દરમાં જોવા મળી રહેલો ઘટાડાને વૃદ્ધિના ચક્રીય માળખાની સાથે જોડી જોવામાં આવે. નાણાકીય સેક્ટરની સમસ્યાઓની અસર રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પણ જોવા મળી છે. 

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે પોતાને મળેલા મજબૂત જનાદેશનો ઉપયોગ  આર્થિક ક્ષેત્રના સુધારાઓને મજબૂતીથી આગળ વધારવા માટે કરવો જોઇએ. જેના કારણે આગામી નાણાકીય વર્ષમાં અર્થતંત્રને મજબૂતીથી આગળ વધવામાં મદદ મળશે.

આર્થિક સર્વેમાં દેશમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે. સસ્તા દરે મકાન, મેક ઇન ઇન્ડિયા, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ જેવા સરકારના પગલાઓને કારણે આગામી વર્ષમાં આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ મળશે. 

જો કે દેશના અર્થતંત્ર સામે વૈશ્વિક વેપારની સમસ્યાઓ, અમેરિકા-ઇરાન વચ્ચેની તંગદિલી, વિકસિત દેશોમાં નબળી આર્થિક રિકવરી જેવા પડકારો રહેલા છે. સર્વેમાં  દેશમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે. સંપત્તિનું સર્જન કરનારાઓનું સન્માન કરવાની પણ વાત જણાવવામાં આવી છે. 

આર્થિક સર્વેમાં ડુંગળીના વધેલા ભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર રોજગારી સર્જન અંગે દેશમાં સારા દિવસો આવનારા છે. આગામી પાંચ વર્ષમાં સારા પગારવાળી ચાર કરોડ નોકરીઓનું સર્જન થશે અને 2030 સુધીમાં તેની સંખ્યા વધીને આઠ કરોડ થઇ જશે.

ભારત પાસે શ્રમ આધારિત નિકાસને વધારવા માટે ચીનની જેમ અભૂતપૂર્વ તકો રહેલી છે. અસેમ્બલ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમોને કારણે દુનિયાના નિકાસ બજારમાં ભારતનો હિસ્સો 2025 સુધીમાં 3.5 ટકા થઇ જશે જે 2030 સુધીમાં વધીને 6 ટકા થઇ જશે.

Tags :