આગામી નાણાં વર્ષના અંતે વીજ વાહનો માટેની ફેમ-ટુ સ્કીમ બંધ થઈ જવા વકી
- માર્ચના અંત સુધીમાં આઠ લાખ ઈ- ટુ વ્હીલર્સ તથા ૩૫૦૦ ઈ-બસો દોડતી જોવા મળશે
મુંબઈ : રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સના તબક્કા બીજા અથવા ફેમ-ટુ સ્કીમ આગામી નાણાં વર્ષના અંતે સરકાર પાછી ખેંચી લેશે તેવી શકયતા જણાઈ રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આની બદલે કેન્દ્ર સરકાર વીજ વાહનોના ઉત્પાદકોને હાલના પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ કાર્યક્રમ હેઠળ પ્રોત્સાહનો પૂરા પાડવા વિચારી રહી છે.
વીજ સંચાલિત ટુ વ્હીલર્સના કેટલાક ઉત્પાદકો દ્વારા ફેમ - ટુ સ્કીમનો દૂરુપયોગ કરાયાના આક્ષેપ બાદ કેન્દ્ર સરકાર ફેમ-ટુ સ્કીમ પાછી ખેંચવા વિચારવા લાગી છે. કેટલાક કિસ્સાઓમાં આ સ્કીમ હેઠળની સબ્સિડીસને સરકારે અટકાવી રાખી છે.
ફેમ સ્કીમ હેઠળ કંપનીઓ સ્થાનિક સ્તરે ઉત્પાદિત વાહનોના ખર્ચ પર ૪૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે, અને સરકાર પાસેથી સબ્સિડી મેળવી શકે છે.
હાલમાં ચાલી રહેલી તપાસમાં સ્થાનિક સ્તરના કાચા માલનો ઉપયોગ થયો છે કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. નાણાં વર્ષ ૨૦૨૪ પછી ફેમ સ્કીમ ચાલુ રહે તેવી શકયતા નથી. ફેમ-ટુનો ધ્યેય ત્યાંસુધીમાં સિદ્ધ થઈ જશે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
ફેમ-ટુ હેઠળ દસ લાખ વીજ સંચાલિત ટુ વ્હીલર્સ તથા સાત હજાર વીજ બસોને ટેકો પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. વર્તમાન વર્ષના માર્ચ સુધીમાં આઠ લાખ ઈ- ટુ વ્હીલર્સ તથા ૩૫૦૦ ઈ-બસો રોડ પર દોડતી થઈ જવા વકી છે.
બાકીના આગામી નાણાં વર્ષના અંત સુધીમાં દોડતા થઈ જવા ધારણાં હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. જો કે થ્રી-વ્હીલર્સ તથા ફોર-વ્હીલર્સ માટે ફેમ-ટુ ટાર્ગેટસ સિદ્ધ થવાનું શકય જણાતું નથી. સરકાર વધુ પડતું ધ્યાન ઈ- ટુ વ્હીલર્સ તથા ઈ-બસો પર આપી રહી છે.