કેનેડા સાથે ઉદભવેલા વિવાદથી ભારતમાં મસૂરની આયાત પર પ્રતિકૂળ અસર થશે
- કેનેડામાં ઉત્પાદિત મસૂરની અડધાથી વધુ નિકાસ ભારતમાં થાય છે
નવી દિલ્હી : કેનેડા સાથે ઉદભવેલા વિવાદથી ભારતમાં દાળના પુરવઠાને અસર થઈ શકે છે કારણ કે ભારત મોટાભાગે કેનેડામાંથી મસૂરની આયાત કરે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડા સાથેનો વિવાદ લંબાય તો જ આ કટોકટી ઊભી થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કેનેડામાંથી મસૂરની આયાત ૫ ગણી વધી છે.
આ વર્ષે કેનેડામાંથી મસૂરની આયાત ઝડપથી વધી રહી છે. વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુલાઈના સમયગાળામાં ૪.૬૬ લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી છે, જે અગાઉના સમાન સમયગાળાના ૧.૦૬ લાખ ટન કરતાં ૩૩૯ ટકા વધુ છે.
જુલાઈ સુધી આયાત કરાયેલ ૪.૬૬ લાખ ટન દાળમાંથી ૧.૯૦ લાખ ટન મસૂરની આયાત કેનેડામાંથી કરવામાં આવી છે. કુલ મસૂરની આયાતમાં તેનો હિસ્સો ૪૦ ટકાથી વધુ છે.
ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કેનેડામાંથી માત્ર ૩૬,૮૦૭ ટન દાળની આયાત કરવામાં આવી હતી. આ રીતે, આ નાણાકીય વર્ષમાં જુલાઈ સુધી, કેનેડાથી મસૂરની આયાત ૫ ગણાથી વધુ વધી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૮.૫૮ લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી હતી તેમાંથી ૪.૮૫ લાખ ટન કેનેડામાંથી, વર્ષ ૨૦૨૧-૨૨માં ૬.૬૭ લાખ ટનમાંથી ૫.૨૩ લાખ ટન, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧.૧૬ લાખ ટનમાંથી ૯.૦૯ લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી હતી. ૨૦૨૦-૨૧ અને ૨૦૧૯-૨૦માં ૮.૫૪ લાખ ટનમાંથી ૬.૪૮ લાખ ટન મસૂરની કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
કઠોળના આયાતકારોએ જણાવ્યું હતું કે ભારત મસૂરની આયાત માટે કેનેડા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં કેનેડા સાથેના વિવાદની અસર મસૂરની આયાત પર પડે તે સ્વાભાવિક છે. જો કે હાલમાં આ વિવાદની વધુ અસર પડવી મુશ્કેલ જણાય છે. જો વિવાદ લાંબા સમય સુધી ચાલે છે, તો તેની અસર થઈ શકે છે. કારણ કે કેનેડામાં ઉત્પાદિત મસૂરની અડધાથી વધુ ભારતમાં નિકાસ થાય છે. આવી સ્થિતિમાં કેનેડા માટે ભારતમાં મસૂરની નિકાસ અટકાવવી મુશ્કેલ બની જશે.