Get The App

રૂ 1.05 ટ્રિલિયનનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ વ્યાપક તફાવતથી સરકાર ચૂકી જાય તેવી શકયતા

- બીપીસીએલ, કોન્કોર તાૃથા એર ઈન્ડિયામાં હિસ્સાનું વેચાણ ઢીલમાં પડતા સરકાર ચિંતિત

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
રૂ 1.05 ટ્રિલિયનનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ વ્યાપક તફાવતથી સરકાર ચૂકી જાય તેવી શકયતા 1 - image

મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર

વર્તમાન નાણાં વર્ષ માટેનો રૂપિયા ૧.૦૫ ટ્રિલિયનનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ વ્યાપક તફાવતથી સરકાર ચૂકી જાય તેવી શકયતા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોન્કર) અને એર ઈન્ડિયામાંના સરકારી હિસ્સાની વેચાણ પ્રક્રિયા લંબાઈ જવાની વકીને કારણે ટાર્ગેટ પૂરો થવા સામે શંકા ઊભી થઈ છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

સરકારી ઉપક્રમો ખરીદવા આગળ આવતા સાહસિકોના દરેક પ્રશ્નોનો સરકારે સંતોષકારક ઉકેલ લાવવો પડે છે. કેટલાક સાહસિકો કંપનીની નાણાંકીય બાજુ તપાસવા માટે સમય માગી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત દસ્તાવેજોની ચકાસણી પણ સમય માગી લે છે. 

એક તરફ સરકારની રાજકોષિય ખાધ વધીને બજેટ અંદાજના ૧૧૫ ટકા પર પહોંચી ગઈ છે ત્યારે ટાર્ગેટ ચૂકી જવાની સ્થિતિમાં વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધ નિયંત્રણમાં રાખવાનું સરકાર માટે મુશકેલ બની શકે છે એમ સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોષિય ખાધ નિયંત્રણમાં રાખવા સરકારની વેરા મારફતની આવકમાં જોરદાર વધારો થવો જરૂરી છે. બીપીસીએલમાં ૫૩.૩૦ ટકા હિસ્સો સ્ટ્રેટેજિક બાયરને વેચવા સરકાર ઈરાદો ધરાવે છે. આ વેચાણ થકી  આજની તારીખમાં રૂપિયા ૫૬૪૦૦ કરોડ જેટલી રકમ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત કોન્કોરમાંના હિસ્સાના વેચાણથી રૂપિયા ૧૦,૭૦૦ કરોડ ઊભા થઈ શકે એમ છે. આમ આ બે કંપનીમાંના હિસ્સાના વેચાણ થકી સરકાર અંદાજે રૂપિયા ૬૭૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે. 

અનલિસ્ટેડ એવી એર ઈન્ડિયાના વેચાણ મારફત પણ સરકાર નોંધપાત્ર રકમ મેળવવા ધારે છે. જો કે ગયા નાણાં વર્ષમાં એર ઈન્ડિયાએ રૂપિયા ૮૫૫૬ કરોડની ખોટ કરી હતી. વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત સરકાર અત્યારસુધી ૧૭૩૬૪ કરોડ ઊભી કરી શકી છે. 

ભારતીય શેરબજારો હાલમાં પ્રમાણમાં ઊંચા હોવાથી બ્લ્યુચીપ કંપનીઓની ઈક્વિટીઝના શેરભાવ હાલમાં ઊંચે ચાલી રહ્યા છે જેને પરિણામે સરકારને સારી રકમ મળવાની તક રહેલી છે, પરંતુ શકય ખરીદદારો તરફથી વિવિધ પ્રક્રિયાઓને કારણે વેચાણ ઢીલમાં પડી રહ્યા છે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષ પૂરું થવાને હવે ત્રણ જ મહિના બાકી છે ત્યારે વેચાણ પ્રક્રિયા પૂરી થવાની શકયતા ઘણી જ ઓછી છે. બિડસ સફળ રહે તો પણ સરકારના હાથમાં ૩૧મી માર્ચ  પહેલા નાણાં આવવાનું શકય જણાતું નથી. 

Tags :