Business

બેડ ડેબ્ટસમાં ઘટાડો અને ધિરાણ વૃદ્ધિનો આધાર અર્થતંત્ર કેટલું ઝડપી સુધરે છે તેના પર

By GS Team
25 Dec 20192 mins read
This article was originally published on 25 Dec 2019
બેડ ડેબ્ટસમાં  ઘટાડો અને ધિરાણ વૃદ્ધિનો આધાર અર્થતંત્ર કેટલું ઝડપી સુધરે છે તેના પર

મુંબઈ, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર

ભારતની બેન્કો બેડ ડેબ્ટની સ્થિતિ પર સારો અંકૂશ મેળવી રહી છે અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ (એનબીએફસી) એક વર્ષના ગાળા બાદ પોતાની ગરિમા પાછી મેળવી લેશે તેવી અપેક્ષા રખાય છે પરંતુ બેડ ડેબ્ટસમાં વધુ ઘટાડો અને ધિરાણ વૃદ્ધિનો આધાર દેશનું અર્થતંત્ર મંદીમાંથી કેટલું ઝડપી બેઠુ થાય છે તેના પર રહેલો છે, એમ રિઝર્વ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે. 

હાલની મંદીમાં બેન્કો તથા એનબીએફસી દ્વારા કોર્પોરેટ ધિરાણમાં ઘટાડો થયો છે. અર્થતંત્રમાં અનિશ્ચિતતા રિટેલ લોન્સમાં પણ ડીફોલ્ટસમાં વધારો કરાવી શકે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં વ્યવસાયીક ક્ષેત્રને ધિરાણમાં રૂપિયા ૫૨૯૭૧ જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે ગયા નાણાં વર્ષના આજ ગાળામાં ધિરાણમાં રૂપિયા ૩.૬૬ ટ્રિલિયન જેટલી વૃદ્ધિ નોંધાઈ હતી. રિટેલ સેગમેન્ટ જે અત્યારસુધી જોખમ-મુકત ગણાતું હતું તે હવે રિસ્ક-ફ્રી રહ્યું નથી. 

પોતાના ધિરાણમાં વધારો કરવા બેન્કોએ રિટેલ લોન્સ પર વધુ ધ્યાન આપવાનો વ્યૂહ અપનાવ્યો હતો પરંતુ ખાનગી ઉપભોગ ખર્ચમાં ઘટાડાને પરિણામે રિટેલ લોન્સમાં વૃદ્ધિ મર્યાદિત રહી છે. આર્થિક વૃદ્ધિ મંદ પડતા રિટેલ લોન્સમાં ડીફોલ્ટસ વધવાની સંભાવના વધી ગઈ છે એમ રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યંર છે. 

નબળા પડી રહેલા આર્થિક વિકાસ અને ધિરાણ ઉપાડમાં મંદી  તથા ડીફોલ્ટસની ઘટનાઓ બેન્કોને ધિરાણ પૂરા પાડવા ખચકાટ ઊભો કરે છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં બેન્કોની એનપીએમાં થયેલો સુધારો આઈબીસીના ઉપયોગને કારણે જોવા મળ્યો છે. 

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલની વિવિધ શાખાઓમાં રૂપિયા ૧.૬૭ ટ્રિલિયનની રકમ સાથેના કુલ ૧૧૩૫ કેસો દાખલ કરાયા હતા. જો કે આમાંથી ૪૨.૫૦ ટકા અથવા તો રૂપિયા ૭૦૮૧૯ કરોડની જ રકમ વસૂલી શકાઈ હતી.

જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જરને રિઝર્વ બેન્કે આવકાર્યુ છે. મર્જરને પરિણામે દેશમાં બેન્કિંગ ક્ષેત્રનો ચ્હેરો બદલાઈ જશે એવો પણ મત વ્યકત કરાયો છે. રિઝર્વ બેન્કે નિરીક્ષણ કર્યું છે કે, કોર્પોરેટ ક્ષેત્ર તરફથી ધિરાણ ઉપાડ મંદ પડવાને કારણે રિટેલ ધિરાણમાં વધારો જોવાયો છે, ત્યારે તેમાં ડીફોલ્ટસની શકયતા પણ વધી ગઈ છે જે સામે બેન્કોએ સાવધ રહેવું પડશે.

 ડીફોલ્ટસ તથા રેટિંગ કટસને કારણે એનબીએફસીને ધિરાણમાં ઘટાડો થયો છે એમ પણ રિપોર્ટમાં નોંધાયું છે.