Get The App

2008 કરતા હાલની મંદી વધુ ચિંતાજનક અને લાંબી : ગોલ્ડમેન

- વિકાસને વેગ આપવા ભારત સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાં સ્થિતિમાં સુધારો કરશે તેવી ધારણા

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News
2008 કરતા હાલની મંદી વધુ ચિંતાજનક અને લાંબી : ગોલ્ડમેન 1 - image

(પી. ટી. આઈ.) મુંબઈ, તા.18 ઓક્ટોબર 2019, શુક્રવાર

ઉપભોગમાં મંદીને એનબીએફસીની કટોકટી સાથે કોઈ સંબંધ નથી. આઈએલએન્ડએફએસ  પ્રકરણ બાદ એનબીએફસી કટોકટી ઊભી થઈ છે. બ્રોકરેજ પેઢી ગોલ્ડમેન સાચ્સે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ પણ ઘટાડીને ૬ ટકા કર્યો છે. ઉપભોગમાં વર્તમાન ઘટાડાને અનેક લોકો  એનબીએફસીની કટોકટી સાથે જોડી રહ્યા છે. ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં આઈએલએન્ડએફએસ    કથળી ગઈ હતી જેને પગલે ઉપભોગ ફાઈનાન્સિંગ નરમ પડયું છે. આ પેઢીના એક અર્થશાસ્ત્રીના મત પ્રમાણે, ઉપભોગમાં જાન્યુઆરી ૨૦૧૮થી ઘટાડો થઈ રહ્યો છે જે આઈએલએન્ડએફએસ પ્રકરણ બન્યું તે પહેલાનો છે. 

આઈએલએન્ડએફએસ પ્રકરણને પરિણામે દેશમાં લિક્વિડિટી કટોકટી સર્જાઈ હતી.એકંદર આર્થિક વિકાસ દરમાં ઘટાડા માટે ઉપભોગમાં મંદી ૩૦ ટકા જ જવાબદાર છે.  આર્થિક વિકાસ દરમાં ઘટાડા સાથે વૈશ્વિક મંદી અને ભંડોળની ખેંચ પણ જોવા મળી રહી છે. 

મંદી છે અને વિકાસ આંકો બે ટકા સુધી ઘટી ગયા છે, એમ ગોલ્ડમેન સાચ્સ ખાતેના ચીફ ઈકોનોમિસ્ટ પ્રાચી મિશ્રાએ જણાવ્યું હતું.  જોકે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં તાજેતરમાં કરાયેલા ઘટાડાને જોતા વર્ષના પાછલા ૬ મહિનામાં વિકાસ દર વધવાની તેમણે અપેક્ષા વ્યકત કરી હતી. ૨૦૧૯ના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરીને ૫.૧૫ ટકા પર લાવી દીધો છે.  

આ ઉપરાંત કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરીને પણ ભારત સરકારે વિકાસને ગતિ આપવાના પગલાં ભર્યા છે. ઈન્વેસ્ટમેન્ટ અને નિકાસ લાંબા સમયથી ઘટી રહ્યા છે, પરંતુ ઉપભોગમાં જંગી મંદી ચિંતાનો એક નવો વિષય છે. 

હાલની મંદી લાંબી છે અને વીસ મહિનાથી ચાલતી આવી છે, એમ મિશ્રાએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, નોટબંધી વખતના પડકારો અને ૨૦૦૮ની નાણાંકીય કટોકટી કરતા પણ તે અલગ છે, ૨૦૦૮ની કટોકટી પ્રકારમાં કામચલાઉ હતી. 

દેશનો આર્થિક વિકાસ દર જુન ત્રિમાસિકમાં પાંચ ટકા સાથે ૬ વર્ષની નીચી સપાટીએ રહ્યો  હતો. જુન ત્રિમાસિક ગાળાના વિકાસ દર નીચે ગયા બાદ અનેક વિશ્લેષકો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ દેશના વર્તમાન વર્ષના આર્થિક વિકાસ દરના અંદાજો ઘટાડયા છે.ભારતની આર્થિક મંદીમાં ૪૦ ટકા જવાબદાર વૈશ્વિક વેપારમાં મંદી છે જ્યારે ઉપભોગ મંદી ૩૦ ટકા જવાબદાર છે અને બાકીની આર્થિક મંદી માટે નાણાંભીડ કારણભૂત રહી છે.  


Tags :