Get The App

દેશની સ્ટીલની આયાતમાં 27 ટકાનો ઘટાડો

- એપ્રિલ-મેમાં ચીન તથા જાપાનની ખાતેથી આયાતમાં મોટો ઘટાડો: ઘરઆંગણે સ્ટીલ ઉત્પાદન ૯ ટકા ઊંચુ રહ્યું

- સેફગાર્ડ ડયૂટીની જોવા મળેલી અસર : બેલ્જિયમ ખાતે ભારતની સૌથી વધુ નિકાસ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
દેશની સ્ટીલની આયાતમાં 27 ટકાનો ઘટાડો 1 - image


મુંબઈ : દેશના સ્ટીલ ઉદ્યોગ માટે એકર રાહતના સમાચાર કહી શકાય એવા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૨૭.૬૦ ટકા ઘટી છે. ચીન તથા જાપાન ખાતેથી નિકાસમાં ઘટાડો થતા ભારતની આયાત નીચી જોવા મળી હોવાનું પ્રારંભિક સરકારી ડેટા જણાવે છેે.

વિશ્વમાં ભારત કાચા સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની એકંદર આયાત ૯ લાખ ટન રહી છે. ચીન ખાતેથી આયાતમાં ૪૭.૭૦ ટકાનો ધરખમ ઘટાડો થયો છે જ્યારે જાપાન ખાતેથી સ્ટીલ આયાતમાં વાર્ષિક ધોરણે ૬૫.૬૦ ટકાનું જંગી ગાબડુ પડયું છે. ચીન ખાતેથી બે લાખ ટન જ્યારે જાપાન ખાતેથી એક લાખ ટન આયાત થઈ છે.  

વર્તમાન વર્ષના એપ્રિલમાં ભારતે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર ૧૨ ટકાની સેફગાર્ડ ડયૂટી લાગુ કરી છે. ચીન ખાતેથી સસ્તા સ્ટીલની આયાતને રોકવા આ ડયૂટી લાગુ કરવામાં આવી છે. 

એપ્રિલ-મેમાં દક્ષિણ કોરિઆ ખાતેથી ફિનિશ્ડ સ્ટીલની આયાત ૮.૨૦ ટકા વધી ૪ લાખ ટન રહી છે એમ પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ભારતની સ્ટીલ આયાતમાં ચીન, જાપાન તથા દક્ષિણ કોરિઆનો હિસ્સો ૭૪.૪૦ ટકા રહ્યો છે. 

એચઆર કોઈલ અથવા સ્ટ્રીપ્સ ભારતની સૌથી મોટી આયાત છે. આયાતની સાથોસાથ દેશની સ્ટીલ નિકાસમાં પણ એપ્રિલ-મેમાં ૧૮.૧૦ ટકા ઘટાડો થયો છે. સ્ટીલ નિકાસ આંક ૮ લાખ ટન રહ્યો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. 

ભારતની સ્ટીલ નિકાસમાં સૌથી વધુ હિસ્સો  કોરુગેટેડ શીટસ અથવા કોઈલ્સનો રહ્યો છે. ૧.૫૦ લાખ ટન સાથે બેલ્જિયમ ભારતની સૌથી મોટી સ્ટીલ નિકાસ બજાર રહી છે. 

દરમિયાન એપ્રિલ-મેમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૨.૫૧ કરોડ ટન રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૭.૧૦ ટકા વધુ છે. ઘરઆંગણે ક્રુડ સ્ટીલનું ઉત્પાદન ૯.૫૦ ટકા વધી ૨.૬૯ કરોડ ટન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.  

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૧૬ ટકા  જેટલી વધી આશરે ૯૦ લાખ ટન રહી હતી. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા મોટા ઉત્પાદક ભારત૨૦૨૩-૨૪માં  સ્ટીલનો નેટ આયાતકાર દેશ રહ્યો હતો. 

ચીન, દક્ષિણ કોરિઆ તથા જાપાન ખાતેથી આયાતમાં સતત વધારાને કારણે ભારતમાં સ્ટીલની આયાત ઊંચી જોવા મળી હતી. 

આયાતમાં વધારાને ધ્યાનમાં રાખી  ૨૦૦ દિવસ માટે ૧૨ ટકા સેફ ગાર્ડ ડયૂટી લાગુ કરવામાં આવી છે, જેની અસર જોવા મળી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.


Tags :