દેશની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં 11 ટકાનો થયેલો વધારો
- સેફગાર્ડ ડયૂટી લાગુ થતા ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ઘટાડો
મુંબઈ : બ્રાઝિલ, સિંગાપુર, અમેરિકા, યુએઈ, યુકે તથા ઓસ્ટ્રેલિયા ખાતે નિકાસમાં ઊંચી દ્વીઅંકી વૃદ્ધિ સાથે એન્જિનિરિંગ માલસામાનની નિકાસની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભ ભારત માટે મજબૂત થયો છે.બીજી બાજુ દેશની સ્ટીલ આયાતમાં ઘટાડો થયો છે જે સ્થાનિક ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે.
વિતેલેા મહિનામાં દેશમાંથી એન્જિનિયરિંંગ માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે ૧૧.૨૮ ટકા ઊંચી રહી હોવાનું એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઈઈપીસી)ના સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા ખાતે એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકા વધી ૧.૬૬ અબજ ડોલર રહી હતી. ગયા વર્ષના એપ્રિલમાં નિકાસ આંક ૧.૪૨ અબજ ડોલર રહ્યો હતો.
યુએઈ ખાતેની નિકાસમાં ૩૭.૩૦ ટકા વધારો થયો છે પરંતુ ચીન, તુર્કેય, મેક્સિકો તથા ઈટાલી જેવા દેશોમાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે એપ્રિલમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૧૧.૩૦ ટકા ઘટી પાંચ લાખ ટન રહી છે. ચીન તથા જાપાન ખાતેથી આયાત નીચી રહેતા એકંદર આયાતમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
દેશમાં સ્ટીલની આયાત પર અંકૂશ લાવવાના ભાગરૂપ ભારત સરકારે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર એપ્રિલથી ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરી છે.
આ નિર્ણયને કારણે આયાત ઘટાડવામાં મદદ મળી છે, ખાસ કરીને ચીન ખાતેથી. ગત મહિને ચીન ખાતેથી સ્ટીલ આયાત ૨૬.૫૦ ટકા ઘટી એક લાખ ટન રહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
સ્ટીલની સસ્તી આયાતને કારણે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોએ સહન કરવાનું આવતું હતું. સેફગાર્ડ ડયૂટી ઉત્પાદકો માટે રાહતરૂપ બની રહેશે.