ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા છ ટકાથી વધુના દરે વૃદ્ધિ પામશે
- મોટા વૈશ્વિક આંચકાઓનો સામનો કરીને પણ ભારતે આર્થિક વૃદ્ધિ પ્રદર્શનને મજબૂત રાખવામાં સફળતા મેળવી
મુંબઈ : દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં છ ટકાથી વધુ રહેશે કારણ કે દેશ તેની મેક્રો ઈકોનોમિક સ્થિરતા જાળવી રાખશે. મોટા વૈશ્વિક આંચકાઓનો સામનો કરીને પણ ભારતે આર્થિક વૃદ્ધિ પ્રદર્શનને મજબૂત રાખવામાં સફળતા મેળવી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય અશિમા ગોયલે જણાવ્યું હતું.
વૈશ્વિક મંદી, ભૌગોલિક રાજકીય કારણોસર તેલ અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે ભારતની નિકાસ વૃદ્ધિ ધીમી પડી રહી છે, અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ પણ દેશ સામેના કેટલાક જોખમો છે. મોટા વૈશ્વિક આંચકાઓ વચ્ચે પણ ભારત મજબૂત મેક્રોઇકોનોમિક સ્થિરતા અને કામગીરી જાળવી રાખવામાં સફળ રહી છે.
આમ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ છ ટકાથી વધુ રહેશે.દેશનો આર્થિક વિકાસ દર ૨૦૨૨-૨૩માં ૭.૨ ટકા હતો, જ્યારે ૨૦૨૧-૨૨માં તે ૯.૧ ટકાથી ઓછો હતો. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આથક વિકાસ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંકની અંદર છૂટક ફુગાવો ક્યારે આવશે તે અંગે પૂછાતા તેમણે કહ્યું કે લાંબા સમયથી કોર્પોરેટ ફુગાવાના અંદાજ ચાર ટકાની આસપાસ છે.