સહકારી ખાંડ કારખાનાઓની સ્થિતિમાં સુધારો થશે
- મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાથી
- ખાંડ મિલો સહિત રાજ્યના સાકર ઉદ્યોગ પર શરદ પવારનું ભારે વર્ચસ્વ રહેલું છે
મુંબઈ,28 નવેમ્બર 2019 ગુરૂવાર
રાજ્યમાં રચાયેલી મહાવિકાસ આઘાડી સરકાર નાણાંની અછત અનુભવી રહેલી મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલો માટે સાનુકૂળ સ્થિતિ બનવા સંભાવના ઊભી થઈ છે. શરદ પવારની આગેવાની હેઠળની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું સહકારી ખાંડ કારખાનાઓ પર વર્ચસ્વ રહેલું છે.
ખાંડ મિલોને છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની સહકારી બેન્કો તરફથી ધિરાણ પૂરા પાડવાનું ટળાય રહ્યું છે. વર્કિંગ કેપિટલના અભાવે મિલો માટે કામ કરવાનું મુશકેલ બની ગયું છે અને પિલાણ કામગીરી કરી શકતી નથી, એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા)ના સુત્રોએ જણાવ્યું હતું.
રાજ્યની ખાંડ મિલોએ શેરડીના ખેડૂતોને કરોડો રૂપિયા આપવાના બાકી છે. દેશમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર શેરડી તથા ખાંડનું બીજું મોટું ઉત્પાદક રાજ્ય છે. વૈશ્વિક તથા ઘરેલું પરિબળોને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ખાંડ મિલોને સાકરના પૂરતા ભાવ મળી રહેતા નથી જેને કારણે તે ખોટમાં ચાલી રહી છે.
વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ઘટી જતા ભારતની ખાંડની નિકાસ પર ગંભીર અસર પડી છે. આ વર્ષે ભારે વરસાદને કારણે રાજ્યના શેરડીવાળા વિસ્તારો જેમ કે કોલ્હાપુર, સાંગલી, પૂણે તથા સતારામાં ખેતરોમાં પાણી ભરાઈ જતા શેરડી સહિતના અન્ય પાકને વ્યાપક નુકસાન થયું છે.
ગયા વર્ષની મોસમમાં ૧૧.૫૦ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ આ વર્ષ શેરડીનો વાવેતર વિસ્તાર ૩૦ ટકાથી વધુ ઘટી ૭૭૬૦૦૦ હેકટર રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ખાંડનું ઉત્પાદન પણ જે ગઈ મોસમમાં એક કરોડ ટન રહ્યું હતું તે શરૂ થયેલી ૨૦૧૯-૨૦ની મોસમમાં ૪૦ ટકા ઘટી ૬૨ લાખ ટન રહેવા વકી છે.
આ વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ સરકારની રચનામાં લાગી ગયેલા સમયને કારણે પિલાણ કામગીરી ઢીલમાં પડી છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ૧૪૯ મિલોએ ૨૦ નવેમ્બર પહેલા જ શેરડી પિલવાનું શરૂ કરી દીધું હતું એમ ઈસ્માના સુત્રોએ જણાવ્યું હતું.
એનસીપી નવી સરકારમાં ઘટક પક્ષ હોવાથી રાજ્યના ખાંડ ઉદ્યોગને સ્થિતિમાં સુધાર થવાની આશા જાગી છે.