એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે
- લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ટેરિફની મોટી અસર નહીં પડે, પરંતુ ટૂંકા ગાળાના પડકારો હશે : નાગેશ્વરન
- આગામી દિવસોમાં નીતિ નિર્ણાયકો નવી જાહેરાતો કરે તેવી વકી
નવી દિલ્હી : યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારો આગામી એક કે બે ક્વાર્ટરમાં ઓછા થઈ જશે, પરંતુ દેશે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ખાનગી ક્ષેત્ર પાસેથી વધુ સક્રિયતાની અપેક્ષા રાખી હતી આ ઉદ્યોગે આગામી વર્ષોમાં દેશને સામનો કરવો પડી રહેલી મુખ્ય સમસ્યાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં આર્થિક વૃદ્ધિ ૯.૨% થી ઘટીને ૬.૫% થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિઓ અને પ્રવાહિતાની અછત છે. જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે, તો તે વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં ૨૫% સુધીનું યોગદાન આપી શકે છે.
રત્નો અને ઝવેરાત, ઝીંગા અને કાપડ જેવા ક્ષેત્રોને અમેરિકા તરફથી ૫૦ ટકા ટેરિફનો પહેલો ફટકો પહેલેથી જ લાગ્યો છે. હવે પછી બીજા અને ત્રીજા સ્તરની અસરો વધુ જટિલ હશે. મને લાગે છે કે વર્તમાન પરિસ્થિતિ એક કે બે ક્વાર્ટરમાં સામાન્ય થઈ જશે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી, તેની મોટી અસર નહીં પડે, પરંતુ ટૂંકા ગાળાના પડકારો હશે. સરકાર આ મુદ્દાથી વાકેફ છે અને અસરગ્રસ્ત ક્ષેત્રો સાથે ચર્ચા કરી રહી છે. આગામી દિવસોમાં નીતિ નિર્માતાઓ તરફથી જાહેરાતો થઈ શકે છે.
કોઈ પણ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઉચ્ચ ટેરિફ કેમ લાદ્યો. તેની પાછળ ઘણી શક્યતાઓ હોઈ શકે છે, આપણે ફક્ત ટેરિફ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, એઆઈ, આવશ્યક ખનિજોનો પુરવઠો અને વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા જેવા લાંબા ગાળાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખાનગી ક્ષેત્રને ટૂંકા ગાળાના લાભને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના પર વિચાર કરવા રજુઆત કરી હતી.
એઆઈનો વધુ પડતો ઉપયોગ કામદારોના વિસ્થાપન તરફ દોરી જશે. તેમણે સૂચન કર્યું કે ભારતે નક્કી કરવું પડશે કે કયા ક્ષેત્રોમાં એઆઈનો અમલ કરવો જોઈએ અને કઈ ગતિએ. તેમણે ભાર મૂક્યો કે ભારતે આગામી ૧૦-૧૨ વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછી ૮૦ લાખ નવી નોકરીઓ ઉભી કરવી પડશે.
સીઈએએ કહ્યું કે યુવા પેઢીમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે વધુ પડતો સ્ક્રીન સમય, પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ અને વધતી ચિંતા, ચિંતાનો વિષય છે.
ખાનગી મૂડી ખર્ચ અંગે તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૬માં આવનારા ડેટા આ બાબતની પુષ્ટિ કરશે. તેમણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા દ્વારા ગ્રાહક માંગને સ્વસ્થ ગણાવી હતી.
જોકે, તેમણે સ્વીકાર્યું કે શહેરી સેવાઓના વપરાશ અંગે કોઈ યોગ્ય ડેટા નથી, અને લિસ્ટેડ કંપનીઓના અહેવાલોના આધારે તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં, કારણ કે વપરાશ હવે અનલિસ્ટેડ ક્ષેત્રમાં સ્થળાંતરિત થઈ રહ્યો છે.