વર્તમાન નાણાં વર્ષમાં ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગના ટર્નઓવરમાં અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો
- મંદીને પરિણામે એક લાખ કામચલાઉ કર્મચારીઓએ રોજગારી ગુમાવ્યાનો દાવો
નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2019, શુક્રવાર
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશના ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગના ટર્નઓવરમાં અત્યારસુધીના સૌથી જંગી ઘટાડો જોવાયો છે. આને કારણે આ ઉદ્યોગમાં આ વર્ષના જુલાઈ સુધીમાં એક લાખ કામચલાઉ કર્મચારીઓએ રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે.
એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગનું ટર્નઓવર ઘટીને ૧.૭૯ લાખ કરોડ રહ્યું છે જે ગયા વર્ષના આ સમયગાળામાં રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહ્યું હતું.
આ મંદીને કારણે કમ્પોનેન્ટ ઉદ્યોગમાં એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં બે અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડી છે. દેશનો ઓટો ઉદ્યોગ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. દરેક પ્રકારના વાહનોના વેચાણમાં છેલ્લા એક વર્ષથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ દીપક જૈને પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.
વાહનોના ઉત્પાદન સાથે ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગનું કામકાજ સંકળાયેલું હોવાનું ધ્યાનમાં રાખતા વાહન ઉત્પાદકો દ્વારા ઉત્પાદન પર મુકાયેલા ૧૫થી ૨૦ ટકાના કાપની ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રોજગારના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષના ઓકટોબરથી જુલાઈ સુધીમાં મોટેભાગે કામચલાઉ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
દરમિયાન ઓટો ક્ષેત્રમાં મંદીની અસર ટાયર ઉદ્યોગ પર પણ પડી રહ્યાનું જણાવાઈ રહ્યું છે. વાહનોના વેચાણમાં ઘટાડાને કારણે ટાયર કંપનીઓ હાલમાં દબાણ હેઠળ આવી ગયાનું વર્તુળો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ઓટો શોરૂમ્સ પણ બંધ પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે.