2019ના વર્ષમાં મ્યુચ્યુઅલ ફન્ડોમાં 68 લાખ ફોલિઓનો ઉમેરો
- ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમના ફોલીયોની સંખ્યા ૧૨.૭૫ લાખ વધીને ૬.૨૫ કરોડ
મુંબઈ, તા. 21 જાન્યુઆરી 2020, મંગળવાર
૨૦૧૯ના વર્ષમાં મ્યુચ્યુઅલ ફન્ડોએ ૬૮ લાખ ફોલિઓનો ઉમેરો કર્યો છે જેને પરિણામે ફોલિઓસની કુલ સંખ્યા વધીને વર્ષના અંતે ૮.૭૦ કરોડ રહી છે. ફોલિઓની સંખ્યામાં થયેલા વધારાનો અર્થ રોકાણકારો આવી સ્કીમ્સ સાથે સંકળાયેલા જોખમોને સારી રીતે સમજવા લાગ્યા છે.
જો કે આગલા ત્રણ વર્ષની સરખામણીએ ૨૦૧૯માં ફોલિઓનો ઉમેરો થવાની માત્રામાં ઘટાડો નોંધાયો છે. ઋણ સાધનો લક્ષી સ્કીમ્સમાં ઓછા એકાઉન્ટ ખૂલ્યા હોવાનું બજાર ફન્ડ હાઉસોના સુત્રોએ જણાવ્યું હતું.
વ્યક્તિગત રોકાણકારના ખાતાને અપાતા નંબરને ફોલિઓ તરીકે ઓળખવામાં આવે છે. એક રોકાણકાર એકથી વધુ આવા ખાતા ધરાવતા હોવાની શકયતા રહે છે.
ઉપલબ્ધ ડેટા મુજબ ૨૦૧૮માં ૧.૩૮ કરોડ ઈન્વેસ્ટર એકાઉન્ટ, ૨૦૧૭માં ૧.૩૬ કરોડ, ૨૦૧૬માં ૭૦ લાખ અને ૨૦૧૫માં ૫૬ લાખ ફોલીઓનો ઊમેરો થયો હતો.
ડિસેમ્બર ૨૦૧૯ના અંતે ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમના ફોલીયોની સંખ્યા ૧૨.૭૫ લાખ વધીને ૬.૨૫ કરોડ પહોંચી હતી. જે આગલા ૨૦૧૮ના વર્ષ દરમિયાન ૧.૨ કરોડનો ઉમેરો થયો હતો.
વિતેલા વર્ષમાં ડેટ ઓરીયેન્ટેડ યોજનાના ફોલીયોની સંખ્યા ૪૩ લાખ ઘટીને ૭૧ લાખ રહી હતી.
ડિસેમ્બર અંતે ફંડ ઈન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ૧૩ ટકા (રૂ. ૩.૧૫ લાખ કરોડ) વધીને રૂ. ૨૬.૭૭ લાખ કરોડ પહોંચી હતી. જે ડિસેમ્બર ૨૦૧૮ અંગે ૨૩.૬૨ લાખ કરોડ હતી.